મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ પેન્શન મેળવવા માટે પેન્શન કેસની ફાઈલ બનાવવા અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે રાજ્યમાં સૌપ્રથમ વાર અરવલ્લી જીલ્લા પ્રાથમીક શિક્ષણાધીકારી કચેરી દ્વારા નિવૃત્ત પ્રાથમીક શિક્ષકોને પેન્શન કેસ બનાવવા માટે મદદરૂપ બની રહે અને નિવૃત્ત શિક્ષકોને સમસ્યા નડે નહીં તે માટે પેન્શન કેસ હેલ્પલાઈન જીલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી કચેરી ખાતે શરૂ કરવામાં આવતા નિવૃત્ત શિક્ષકોમાં આનંદ છવાયો છે. 

અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી નવતર અભિગમ અપનાવીને નવૃત્ત શિક્ષકોના પેન્શન કેસ બનાવવા માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. અને આ પ્રકારની રાજ્યમાં પ્રથમ હેલ્પલાઈન હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. સામાન્ય રીતે નિવૃત્ત થતાં શિક્ષકોએ છેલ્લા બે વર્ષ દરમિયાન પેન્શન કેસ બનાવવા માટેની કામગીરી શરૂ કરવી પડતી હોય છે. આ માટે તેમણે ઘણી જ હાલાકીઓનો સામનો પણ કરવો પડતો હોય છે. એટલું જ નહીં શાળાનો સમય પૂર્ણ થયા બાદ આ કામ કરવું અશક્ય હતું. જેથી આવા શિક્ષકોએ આ કાર્ય કરવું ખૂબ જ કઠિન બનતું હતું, ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મીતાબેન પટેલ અને નાયબ શિક્ષણાધિકારી સમીર પટેલના માર્ગદર્શન હેઠળ ખાસ હેલ્પલાઈન નિવૃત્ત થતાં શિક્ષકો માટે શરૂ કરાઈ છે. આ હેલ્પ લાઈનમાં બે શિક્ષકો મહિનાના પ્રથમ અને ત્રીજા શનિવારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી ખાતે કાર્યરત રહે છે, અને નિવૃત્ત થતાં શિક્ષકોને પેન્શન કેસ બનાવવા માટે સહાયતા કરે છે.