મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ ગુજરાતમાં ચોમાસુ વિદાઇ લઇ રહ્યું છે. ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજૂ પણ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યાં જ હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ વરસી શકે છે. અરવલ્લી જીલ્લાના વાતાવરણમાં પલટો આવવાની સાથે વરસાદી ઝાપટું પડતા ખેડૂતોમાં ચિંતાની લકીરો તણાઈ છે હાલ ખેતરોમાં પાક તૈયાર થઇને લણાઈ રહ્યો છે. ત્યારે વરસાદી વાતાવરણ સર્જાતા ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે વાતાવરણમાં પલટો આવતા અસહ્ય બફારા અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર  બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે જેના કારણે લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાતા વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગરમીમાં સામાન્ય ઘટાડો થવાની સાથે બફારો અને ઉકળાટ વધી રહ્યો છે. અરવલ્લી જીલ્લામાં મગફળી,સોયાબીન,મકાઈ ,અળદી સહીતની ખેતી તૈયાર થઇ ગઈ છે લણણીની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. કેટલોક તૈયાર પાક ખરામાં પડ્યો છે ત્યારે વરસાદી ઝાપટું સહીત વરસાદી છાંટા પડતા વિદાય લેતા ચોમાસાએ ખેડૂતોના માથે ચિંતા ઉભી કરી દીધી છે એક બાજુ ખેડૂતોના પોષણક્ષમ ભાવ મળતાં નથી અને બીજુબાજુ કુદરત પણ રૂઠી હોય તેમ વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતો કૂદરત સામે લાચારી અનુભવી રહ્યા છે.