મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ રાજ્ય પંચાયત વિભાગે તલાટીઓ પંચાયતોમાં હાજર રહેતા ન હોવાની વ્યાપક ફરિયાદો બાદ ઈ ટાસ એપ્લિકેશનના માધ્યમથી તલાટીઓને ઓનલાઈન હાજરી પુરવા ફરજીયાત કર્યું છે. જો કે રાજ્યભરના તલાટીઓ આ મુદ્દે સરકાર સામે વિરોધ કરી રહ્યા છે જેના પગલે અરવલ્લી જિલ્લાના તલાટીઓએ પણ પંચાયત સીવાયની કોઈ કામગીરી ન કરવા રેવન્યુ કામગીરીનો ૨ ડિસેમ્બરથી બહિષ્કાર કર્યો છે.

આ અંગે અરવલ્લી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ બી.આઈ.ચડી અને મહામંત્રી વિરેન્દ્રભાઈ જે.પટેલે જણાવ્યું હતું કે ઈ ટાસ એપ્લિકેશન દ્વારા તલાટીઓની ઓનલાઈન હાજરી પુરવા માટે રાજ્ય પંચાયત વિભાગે તલાટી કમ મંત્રીઓને આદેશો કર્યા છે. જો કે રાજ્યભરના તલાટીઓએ આ અંગે વિરોધો વ્યક્ત કર્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળે પણ ૩૦ નવેમ્બરના રોજ અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને તેમાં જણાવ્યું હતું કે જો ઈ-ટાસની અમલવારી બંધ કરવામાં નહીં આવે તો આગામી ૨ ડિસેમ્બરથી તલાટી કમ મંત્રી રેવન્યુ કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે તેમજ એન્ડ્રોઈડ મોબાઈલનો સંપૂર્ણ બહિષ્કાર કરાશે. તથા ગામે હાજરી આપી ફક્ત પંચાયતની જ કામગીરી કરવામાં આવશે તેમજ વધારાની કોઈ કામગીરી કરીશું નહીં.

ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા સૂચવેલ દિશા મુજબ અરવલ્લી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના ૩૦૮ તલાટીઓએ ૨ ડિસેમ્બરથી ઓનલાઈન હાજરી પુરવાના વિરોધમાં રેવન્યુ કામગીરી બંધ કરી હતી. જ્યારે જ્યાં સુધી તલાટીઓની સમસ્યાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી રેવન્યુ કામગીરી બંધ રાખવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું.

તલાટીઓએ રેવન્યુ કામગીરી બંધ કરતાં શું અસરો પડશે ?

સમગ્ર રાજ્ય સહિત અરવલ્લી જિલ્લાના તલાટી કમ મંત્રીઓએ રેવન્યુ કામગીરી બંધ કરી દીધી છે અને જ્યાં સુધી તલાટીઓની સમસ્યાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી રેવન્યુ કામગીરી બંધ રાખવામાં આવશે. રેવન્યુ કામગીરી બંધ કરી દેવાથી ખેડૂતોને પાક વીમા માટે લેવાના પાણી પત્રક મેળવવામાં મુશ્કેલીઓ થાય તેમજ રેવન્યુ વસૂલાત ઉપર માઠી અસર પડે, લોકોને પેઢી નામુ મેળવવામાં તકલીફ પડે, ગ્રામજનોને પંચાયતમાંથી લેવા પડતા વિવિધ દાખલાઓ મેળવવામાં મુશ્કેલી સહિતના અને વિધ્નો પેદા થઈ શકે.

અરવલ્લી જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના ૧૪૩૯ તલાટીઓ ઈ-ટાસની અમલવારીના વિરોધમાં

રાજ્યના તલાટીઓ ઓનલાઈન હાજરી પુરવા મુદ્દે સરકારના વિરોધમાં પડ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લા અને ગાંધીનગર જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના ૧૪૩૯ તલાટીઓએ રેવન્યુ કામગીરીનો ૨ ઓગસ્ટથી બહિષ્કાર કર્યો છે. ત્યારે મહેસાણાના ૧૭૮, બનાસકાંઠાના ૪૨૧, પાટણના ૧૯૯, સાબરકાંઠાના ૧૮૧. અરવલ્લીના ૩૦૮ અને ગાંધીનગરના ૧૫૨ મળી ૧૪૩૯ તલાટીઓએ રેવન્યુ કામગીરી બંધ કરી હતી.