મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ ગુજરાત રાજ્ય સરકાર પ્રવેશોત્સવના તાયફા કરી દેખાડો કરી રહી છે બીજી તરફ અરવલ્લી જીલ્લામાં સમયસર પગાર ન થતા શિક્ષકોની હાલત દયનિય બની છે. અગાઉના મહિનાના પગારમાંથી ઇન્કમ ટેક્ષ કપાતા નામ માત્ર પગાર રૂપી રૂપિયા હાથમાં આવતા શિક્ષકોની અનિયમિત રીતે થતા પગારથી હાલત કફોડી બની છે. એક બાજુ ચૂંટણીને પણ ગણતરીના દિવસો બાકી હોવાથી પગાર કરવાની રજૂઆતો પર પાણી ફરી વળતા શિક્ષકોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે.

અરવલ્લી જીલ્લામાં અંદાજે ૮ હજાર પ્રાથમિક શિક્ષકોનો પગાર અનિયમિત થતા કારમી મોંઘવારીમાં ગુજરાન ચલાવવું અઘરું પડે છે. દર માસે પગાર મળવાની કાગડોળે રાહ જોઈ રહેવી પડતી હોઈ અને અનિયમિત થતા પગારથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

માર્ચ-૨૦૧૯ મહિનાનો પગાર ૨૦ એપ્રિલ સુધી પગાર ન થતા શિક્ષકોનું ફેમીલી બજેટ ખોરવાયું છે જીલ્લામાં પ્રાથમિક શિક્ષકોનો પગાર છેલ્લા ૪ વર્ષથી વધુના સમયથી વહીવટી તંત્ર દ્વારા નિયમિત અને ચોક્કસ તારીખ અને સમય મર્યાદામાં કરવામાં નિષ્ફળ રહ્યું હોવાનું શિક્ષણવિભાગના સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી.

ગત માસે થયેલા પગારમાંથી ઈન્ક્મ ટેક્ષ કપાત થતા થોડી ગણી રકમ હાથમાં આવતા અને ચાલુ મહિનાનો પગાર અટવાતા પ્રાથમિક શિક્ષકો માનસિક તાણ અનુભવી રહ્યા છે, વધુમાં લોનના હપ્તા, માસીક બીલો વગેરે સમય મર્યાદામાં ભરી ન શકતા પેનલ્ટી ભરવાનો વારો આવ્યો છે. હાલ ઘઉં અને મરી-મસાલા ભરવાની સીઝન અને લગ્નસરાની મોસમ ચાલી રહી છે અને પૈસાની તાતી જરૂરિયાત હોય તેવા સમયે પગાર અટવાતા રાજ્ય સરકાર અને જવાબદાર તંત્ર દ્વારા શિક્ષકોનો પગાર તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

રાજ્ય શિક્ષણ વિભાગ પ્રવેશોત્સવના તાયફા પાછળ લાખ્ખો રૂપિયાનો ખર્ચો કરી રહી છે. બાળકનો ભણાવી તેમના ભાવિનું ઘડતર કરનાર પ્રાથમિક શિક્ષકોને જ હાલની કારમી મોંઘવારીમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં હમણાં હમણાંથી ગણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. મહિનો પૂરો થાય એટલે ક્યારે પગાર મળશે તેની ચાતક નજરે રાહ જોઈ બેસી રહેવું પડે છે. ત્યારે આ સ્થિતિમાં પોતાના ઘરમાં રાશન પાણી કે બાળકોના અભ્યાસ માટે પુસ્તકો, શાળા-કોલેજની ફી અને અન્ય કામો માટે હાથ ઉછીના કે વ્યાજે નાણાં મેળવી કામકાજ કાઢવા પડે છે. એપ્રિલ મહિનાને પૂર્ણ થવાને આડે ૧૦ દિવસનો દિવસ બાકી છે ત્યારે માર્ચ મહિનાનો પગાર ન થતા શિક્ષકો જીવનિર્વાહ ચલાવવા રીતસરના ફોંફે ચઢ્યા છે.