મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: કોરોના વાયરસ નું સંક્રમણ અટકાવવા વહિવટી તંત્ર તરફથી કેટલાક નિયમ બનાવામાં આવ્યા છે જોકે મોટાભાગના નિયમ માત્ર કેહવા પુરતા અમલમાં હોય તેવુ લાગી રહ્યુ છે. હાલ કોરોના વાયરસ ને ધ્યાન દરેક બસમાં 30 પેસેન્જરની કેપિસિટી કરી દેવામાં આવી છે.આ ઉપરાંત મુસાફરો ને સેનેટાઇઝ કરી અને માસ્ક પહેરીને જ બસ માં પ્રવેશ આપવામાં  આવી રહ્યાં છે. તેમજ રસ્તામાંથી કોઈ પેસેન્જર લેવામાં આવતા નથી. એસ.ટી બસ ના આવા નિયમ લોકોના હિત માટે છે પરંતુ તેનો  ગેરલાભ ખાનગી પેસેન્જર વાહનો  ચાલકો ઉઠાવી રહ્યા છે .

અરવલ્લી જિલ્લાના મોડાસાના ચાર રસ્તા પર સ્ટેટ  બેંક ની બાજુમાંથી રોજ ખાનગી વાહનોમાં ખીચોખીચ મુસાફરો ભરવામાં આવે છે. મોટાભાગના મુસાફરો કોવિડ-19 ને ફેલાતો અટકવવા નિયમો બનાવામાં આવ્યા છે તેનું પાલન કરતા નથી . મુસાફરોમાં ન તો સોશિયલ ડીસ્ટન્સ જોવા મળે છે  ન તો તેમને સેનેટાઇઝ કરવામાં આવે છે. રસ્તામાં દરેક સ્થળે આ ખાનગી વાહનો ઉભા રાખી મુસાફરો ભરે છે જેથી આ વાહનો કોરોના વાહક બની શકે છે તેવુ જાગૃત નાગરીકોનું માનવું છે .

રાજ્યમાં ૧ જુલાઇ થી એસટી બસ શરૂ કરવામાં આવી છે કોરોનાના સંક્રમણના પગલે લોકો હજુ પણ બસમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે . અન્ય સ્થળો થી મોડાસા માં આવતા લોકો કોરોનાગ્રસ્ત મોડાસા શહેર અને અરવલ્લી જિલ્લામાં વધું સંક્રમણ ફેલાવવાની ભીતિ પેદા થઈ છે. બસ માં હજુ પણ ફકત ત્રીસ પેસેન્જરનો નિયમ નું પાલન કરવામાં આવી રહ્યુ છે પરંતુ મોડાસા બસ સ્ટેશનના બિલકુલ સામે થી નિયમોની એસી કી તેસી બેફામ ચાલતા  ખાનગી પેસેન્જર વાહનોમાં ઠસો ઠસ  પેસેન્જર ભરવામાં આવે છે.  

હાલ એસ.ટી બસ ખુબ જ ઓછી સંખ્યામાં દોડી રહી છે ત્યારે ખાનગી વાહનો ને ધી કેળા થઇ ગયા છે . ખાનગી વાહન ચાલકો બેફામ ભાડુ વસૂલ  તો કરી જ રહ્યા છે સાથે સાથે કોવિડ-19 ના નિયમોનું ઉલ્લંઘન કરી ખીચોખીચ મુસાફરો ભરવામાં આવે છે. જેથી કોરોના મહામારી એક સ્થળેથી બીજા સ્થળે ફેલાઈ શકે છે.  શું તંત્ર આ બાબત થી અજાણ છે કે બધુ જણતા હોવા છતાં  મીઠી નજર રાખવામાં આવી રહી છે . આવા બેફામ ખાનગી વાહનચાલકો ટ્રાફિક પોલીસની નજર સમક્ષ હોય છે છતાં કેમ દેખાતા નથી કે પછી તંત્ર દ્વારા આંખ આડા કાન કેમ કરવામાં આવે છે જે પ્રજામાં પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.