મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક રતનપુર સીમા પર લાલ લાઈટ લગાવીને રોફ જમાવનાર કાર ચાલકની શાન ઠેકાણે લાવવા પોલિસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. અરવલ્લી જિલ્લા પોલિસે શામળાજી પોલિસ મથકે કાર ચાલક સામે અનઅધિકૃત રીતે કાર પર લાલ લાઈટ લગાવીને નિયમોનો ભંગ કરનાર કાર ચાલક સામે કાર્યવાહી કરી છે. 10 ઓક્ટોબરના રોજ રાજસ્થાન તરફથી એક હ્યુન્ડાઈ કાર ગુજરાતમાં પ્રવેશી હતી, જેના ઉપર ફ્લેશ લાઈટ એટલે કે, લાલબત્તીનો ઉપયોગ કરાયો હતો, જે સમગ્ર મામલે ચર્ચાએ જોર પકડ્યું હતું કે, શું ખાનગી વાહનો પર લાલબત્તી લગાવી શકાય, ખાનગી વાહનો પર લાલબત્તી લગાવવાનો પરવાનો કોણે અને કેવી રીતે મળ્યો જેવા સવાલો ઊઠ્યા હતા, ત્યારે આ સમગ્ર ઘટનાને લઇને અરવલ્લી જિલ્લા પોલિસે પ્રાથમિક તપાસ કરી હ્યુન્ડાઈ ક્રેટા કાર નંબર GJ 31 A 8008 ના ચાલક સામે શામળાજી પોલિસ મથકે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે.         

વીઆઈપી કલ્ચરને નાબૂદ કરવા મોદી સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો અને દેશભરમાં ઈમરજન્સી સર્વિસના વાહનો સિવાય કોઈ પણ સરકારી વાહન પર લાલ લાઈટ નહીં લગાડાય તેવું સરકારે નક્કી કર્યું હતું. કેન્દ્રની મોદી સરકારના આ નિર્ણય બાદ મંત્રી, અધિકારીઓ સહીત વીઆઈપીઓની ગાડીઓ પર લગાવેલ લાલ, લીલી અને પીળી બત્તી હટાવી લીધી હતી. આ વચ્ચે ત્યારે અરવલ્લી જીલ્લામાં રતનપુર ચેકપોસ્ટ પરથી ખાનગી કાર પર એક શખ્સ લાલ લાઈટ લગાવી પસાર થતો કેમેરામાં કેદ થયો હતો, ત્યારે આ સમગ્ર ઘટનાને લઇને પોલિસે કાર્યવાહી કરીને કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Advertisement


 

 

 

 

 

રોફ જમાવનાર ચાલક પાસે લાલ લાઈટ આવી ક્યાંથી ?   

શામળાજી પોલિસ સ્ટેશન વિસ્તારની હદમાં રાજસ્થાન તરફથી આવેલી ક્રેટા કાર પર લગાવેલ લાલ લાઈટ કાર ચાલક સામે ગુનો તો નોંધવામાં આવ્યો છે, જોકે હવે કેટલાક સવાલો ઊઠી રહ્યા છે. આ શખ્સ પાસે લાલ લાઈટ ક્યાંથી આવી, શું આ પહેલા લાલ લાઈટ લગાવી કેટલી જગ્યાએ રોફ જમાવ્યો હશે, શું કોઇ કાયદાની બહાર રહીને ગેરકાયદે કૃત્ય કર્યું હશે કે શુ તેવા અનેક સવાલો ઊઠી રહ્યા છે. કાર પર લગાવેલ લાલ લાઈટ ક્યાંથી લાવવામાં આવી હતી અને કોણે આપી હતી. હાલ તો પોલિસે કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી તો કરી છે પણ પોલિસે લાલ લાઈટ ક્યાંથી આવી અને કેટલા સમયથી લાલ લાઈટ લગાવી છે, આ અંગે  તપાસ કરવી જોઇએ.   

જીલ્લામાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ સરકારી વાહનો પર લાલ લાઈટ લગાવી રોફ જમાવતા હોવાની ચર્ચા 

અરવલ્લી જીલ્લામાં હજુ પણ લાલ લાઈટનો મોહ કેટલાક અધિકારીઓને છૂટ્યો ન હોવાની અને સરકારી ગાડીઓ પર લાલ અને લાલ કલરને ભળતા રંગની લાઈટ લગાવી બિન્દાસ્ત જીલ્લાના માર્ગો પરથી પસાર થઇ રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે જીલ્લા સેવાસદન પરિસરમાં પણ સમયાંતરે કેટલાક સરકારી વાહનો લાલ લાઈટ સાથે પહોંચતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે એક યુવાન અધિકારીના સરકારી વાહન પર પણ લાલ લાઈટ લગાવેલ હોવાનું અને લાલ લાઈટ વાળા સરકારી વાહનથી જીલ્લામાં અને સમાજમાં વટ પાડી રહ્યા હોવાની માહીતી પ્રાપ્ત થઇ હતી 

Advertisement


 

 

 

 

 

કારમાં પોલિસ કેપ અને રીટાયર્ડ થયા પછી પણ હોદ્દાની નેમ પ્લેટ લગાવવાનો ટ્રેન્ડ યથાવત   

અરવલ્લી જિલ્લામાં જે રીતે કાર પર લાલ લાઈટ લગાવીને બેફામ કાર ચાલકો ફરી રહ્યા છે, આ વચ્ચે હજુય કેટલાક લોકો રીટાયર્ડ થયા પછી પણ હોદ્દાનો નશો ઉતરતો નથી. કેટલાક લોકો એટલું જ નહીં પોલિસ કેપ પણ કેટલીક વાર કારમાં મુકેલી જોવા મળતી હોય છે. જે વ્યક્તિ ચાલુ નોકરીએ ન હોય તેવા લોકો આવી રીતે દુરૂઉપયોગ કરતા જોવા મળ્યા છે. આવી રીતે નેમ પ્લેટ અને પોલિસ કેપ મુકવાનો અર્થ શું છે તે સમજાતું નથી. પણ લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે, અરવલ્લી જિલ્લામાં આ એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જિલ્લા પોલિસ વડાએ લાલબત્તી લગાવનાર ચાલક સામે કાર્યવાહી કરી છે, તેમ પોલિસ અથવા તો ઊંચા હોદ્દા ધરાવતા નિવૃત્ત કર્મચારીઓ આવી પ્રથા દૂર કરે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.