જય અમીન (મેરાન્યૂઝ.અરવલ્લી): બીજી લહેર વખતે દેશમાં અને ગુજરાતમાં હાહાકાર મચાવી ગયેલા વૈશ્વિક મહામારી કોરોનાના કેસ બે-પાંચના હિસાબમાં વધી રહ્યા છે. બીજી લહેરની સરખામણીએ આ કેસની સંખ્યા નગણ્ય કહેવાય તેવી ભલે રહી, પરંતુ ધોરણ-૧થી ૫માં ભણતા બાળકો માટે શિક્ષણ મંત્રી દ્વારા ઓનલાઇન શિક્ષણની શરૂઆત કરવાનો નિર્ણય જાહેર કર્યા પછી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણનો પ્રારંભ થયો છે. પ્રાથમિક શાળાઓમાં કોરોના ગાઈડ લાઈનનું પાલન એસિડ ટેસ્ટ સમાન બની રહેવાની શક્યતા નકારાતી નથી. કેમ કે બાળકોને કોવિડ-૧૯ વિરોધી રસી આપવાના હજી સુધી તો કોઈ ઠેકાણા પડયાં નથી. અરવલ્લી જીલ્લામાં ૧૩૮૯ પ્રાથમિક શાળાઓમાં નવા સત્રથી પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય આરંભાયું છે ત્યારે રાજ્યમાં ઓમિક્રોન અને કોરોનાના દર્દીઓમાં વધારો થતાં વાલીઓ અને શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે.

ઘરમાં પુરાઈ રહેવાના કારણે નિશાળીયા બાળકો અને તેમના વાલીઓ સ્વાભાવિક રીતે કંટાળ્યા હતા અને લાંબા સમયની આ સ્થિતિના બાળકોના શિક્ષણ પર ખુબ માઠી અસર પડી હોવાની વાતનો ઇનકાર થઇ શકે તેમ નથી. આ સંજોગોમાં શાળાઓ ફરી ધમધમતી થાય તે બાળકોના શિક્ષણના હિતમાં જરૂરી છે. પરંતુ આ તકે કોરોનાની શરૂઆત વખતે વડાપ્રધાન જે વાક્ય બોલ્યા હતા કે જાન હૈ તો જહાન હૈ.. તે શબ્દો યાદ આવ્યા વગર રહેતા નથી. વળી આ બાબત યુવાનો કે વયસ્કો માટેની નથી, બાળકો માટેની છે. સરકારે શિક્ષકોને કોરોના ગાઈડ લાઈનનું પાલન કરાવવાની વિશેષ સુચના અપાઇ છે. ત્યારે આવનારા માસુમ બાળકો કઇ હદ સુધી તેમના કાબુમાં રહેશે અને કઈ રીતે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવી શકાશે તે ચિંતાનો વિષય બન્યો છે. રાબેતા મુજબના સંજોગોમાં તો બાળકો એક જ બોટલમાંથી કે ગ્લાસથી પાણી પીતા હોય છે અને એક જ ડબ્બામાંથી નાસ્તો પણ કરતા હોય છે. કોરોના ફેલાવા મુદ્દે તો આ એક જ મુદ્દો હાજા ગગડાવી નાખે તેવો સાબિત થઇ શકે તેમ છે.

Advertisement


 

 

 

 

 

રાજ્યમાં સ્કૂલમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થયા હોવાના કેસ સામે આવ્યા છે ત્યારે સરકારના શિક્ષણ વિભાગે ઠરાવ કરીને ખાસ તકેદારીના પગલા લેવા આદેશ કર્યો છે. જે અંતર્ગત જો કોઈ પણ વિદ્યાર્થીમાં કોઈ પણ રોગના લક્ષણ જણાય તો ડીઈઓ-ડીપીઓને જાણ કરવા આદેશ કરવામા આવ્યો છે.

સરકારે હાલ માત્ર પરિપત્ર કરી દીધો છે અને જેમાં સૂચનાઓ આપી દીધી છે પરંતુ તમામ બાબતની તકેદારી સ્કૂલો અને વાલીઓને રાખવા જણાવી દીધુ છે. શિક્ષણ વિભાગે કરેલા ઠરાવમાં સૂચનાઓ આપી છે કે રાજ્યની ગુજરાત બોર્ડની ધો.૧ થી ૧૨ની તમામ સ્કૂલોમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફે વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે કે નહીં તે સુનિશ્ચિત કરવું તેમજ કોઈ પણ વિદ્યાર્થીમાં સંક્રમણના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો, શાળામાં કોઈ વિદ્યાર્થીમાં કોઈ પણ રોગના લક્ષણો જણાય તો ડીઈઓ-ડીપીઓને ફરજિયાત સ્કૂલે જાણ કરવાની રહેશે તેમજ સ્થાનિક આરોગ્ય તંત્રના સંપર્કમાં રહી પૂર્વ સંરક્ષણાત્મક પગલા ઝડપથી લેવાના રહેશે.

વાલીઓને અપીલ કરવામા આવી છે કે પરિવારમાં કે બાળકમાં સંક્રમણના કોઈ પણ લક્ષણો જણાય તો બાળકોને શાળાએ મોકલવા નહી. દરેક શાળાએ ઓફલાઈન શિક્ષણની સાથે ફરજિયાત રીતે ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થા પણ ચાલુ રાખવાની રહેશે. મહત્વનું છે કે સરકારે કરેલા ઠરાવમાં ક્યાંય પણ સ્થાનિક તંત્ર કે ડીઈઓ -ડીપીઓ કચેરીને સ્કૂલોમાં તકેદારી માટે તપાસ કરવા કોઈ સૂચના આપી નથી.