મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લામાં મેઘરાજાએ રીસામણા લેતા ખેડૂતો અને પ્રજાજનોની હાલત કફોડી બની છે જીલ્લાવાસીઓ ચાતક નજરે આકાશ તરફ મીટ માંડી મેઘમહેર થાય તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે હિંદુઓ શિવલિંગ ડુબાડી અને પર્જન્ય યજ્ઞ યોજી વરુણદેવને રીઝવવા પ્રભુનું શરણ લીધું છે ત્યારે મોડાસાના મુસ્લિમ બિરાદરોએ વરસાદ માટે મોટી સંખ્યામાં એકઠા થઈ કબ્રસ્તાનમાં સામુહિક દુઆ કરી હતી.

સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા પંદર દિવસથી વરસાદે વિરામ લીધો છે ત્યારે માનવજીવ સહિત અબોલ પશુ પંખી પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આજે સૌ વરસાદ માટે ઈશ્વરને રિઝવી રહ્યું છે ત્યારે અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના શાહી કોટ વિસ્તારમાં મોટી સંખ્યામાં એકઠા થઇ ઉઘાડા પગે એક કિલોમીટર સુધી ચાલી સૈયદના મખદુમ શાહ લાહોરી કબ્રસ્તાનમાં વરસાદ માટેની ખાસ નમાજ અદા કરવામાં આવી હતી. ત્યારબાદ વરસાદ માટે સામૂહિક દુઆ કરી ઈશ્વરને માનવજાત પર રહેમ કરવા અરજી કરી હતી.