મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં કેટલાક વર્ષોથી ખેડૂતો પરંપરાગત ખેતી છોડી અવનવી ખેતી માં નસીબ અજમાવી રહ્યા છે જીલ્લાના ખેડૂતો બટાકા, તરબૂચ, સક્કરટેટી અને દાડમની ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવી નફો રળી રહ્યા છે બટાકાની ખેતી કરનાર ખેડૂતોને છેલ્લા બે વર્ષથી બટાકાના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. વધુ ભાવ મેળવવા ખેડૂતોએ બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મુકતા જીલ્લાના કોલ્ડ સ્ટોરેજ ઉભરાઈ રહ્યા છે, ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવા માટે પ્રતિ મણે રૂ. ૫૦થી વધુ ખર્ચ છતાં પણ હોલસેલમાં ભાવ પૂરતા ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ઉત્પાદન થતાં બટાકા મોટા ભાગે પ્રોસેસિંગ એટલે કે, ચિપ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બટાકાનો ભાવ પ્રતિ કિલોએ ૧૩ રૂપિયાની આસપાસ છે, જ્યારે ગતવર્ષે બટાકાનો ભાવ ૧૭ રૂપિયાની આસપાસ હતો ગતવર્ષની સરખામણીએ પાંચથી સાત રૂપિયા ભાવ ઓછો હોવાથી કોલ્ડ સ્ટોરેજ હાઉસફૂલ થયા છે પ્રતિ કિલોએ કોલ્ડ સ્ટોરેજનો ભાવ ત્રણથી ચાર રૂપિયા થતો હોવાથી ખેડૂતોને હાલ મૂળ ઉત્પાદનના ભાવ કરતા પણ ઓછા ભાવ મળતા ખેડૂતો બટાકાના ભાવ ઉચકાય તો જ ખર્ચ પરવડી શકે તેમ છે ગત વર્ષે 64 લાખ કટ્ટા જેટલો બટાકાનો માલ કોલ્ડ સ્ટોરેજમાં હતો, જે આ વર્ષે ઉત્પાદન વધતાં બટાકાના કુલ 74 લાખ કટ્ટા કોલ્ડ સ્ટોરેજમાં ખેડૂતોએ સંગ્રહિત કર્યા છે.

ચાલુ વર્ષે બટાકાનું ઉત્પાદન તો વધ્યું છે, પણ પૂરતો ભાવ ન મળતા આ વર્ષે કરોડો રૂપિયાના બટાકા કોલ્ડ સ્ટોરેજના સ્ટોરમાં પડી રહ્યા છે. બટાકા પકવતા ખેડૂતો ટ્રાન્સપોર્ટ સહિતની સુવિધાઓમાં સબસિડી આપવામાં આવેની માંગ કરી રહ્યા છે.