મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: રાજસ્થાનને અડીને આવેલ અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી મોટા પ્રમાણમાં વિવિધ વાહનો મારફતે રાજ્યમાં ઠલવાઈ રહ્યો છે. જીલ્લા એસપી સંજય ખરાતના આગમન પછી દારૃબંધીની અમલવારી માટે શખ્ત કાર્યવાહીના આદેશ આપવામાં આવતા બુટલેગરો સહીત બુટલેગરો સાથે ભાઈબંધી ધરાવતા અધિકારીઓ અને કર્મચારીમાં ફફડાટ ફેલાયો છે. અગાઉ શામળાજી પોલીસે સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ બુટલેગરો સાથે ભાઈબંધી નિભાવવામાં સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે. ત્યારે વધુ એક વાર માલપુર પોલીસ સ્ટેશનના બે અને મેઘરજ પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મીની બુટલેગરો સાથે સંપર્ક હોવાનું બહાર આવતા જીલ્લા પોલીસવડા સંજય ખરાતે ત્રણે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરતા બુટલેગરો સાથે નિકટતા ધરાવતા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. 

મેઘરજ  પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો અને વહીવટદાર તરીકે જાણીતા બનેલ વિજય શના અને માલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સતીશસિંહ અને અલ્પેશ નામના પોલીસ કોન્સ્ટેબલ બુટલેગરો અને અસામાજિક પ્રવર્તીઓ સાથે સંકળાયેલ લોકો સાથે ભાઈબંધી રાખતા હોવાની બૂમો ઉઠી હતી. અરવલ્લી એલસીબી પોલીસે માલપુર નજીક બે બાઈક પરથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો હતો. જેમાં બાઈકની ખેપ મારતા બંને બુટલેગર માલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સતીશસિંહ અને અલ્પેશ નામના કર્મચારીના સંપર્કમાં હોવાનું જીલ્લા પોલીસવડા સંજય ખરાતના કાને પહોંચતા ત્રણે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. અરવલ્લી જીલ્લામાં દરેક પોલીસ મથકે અલગ અલગ વહીવટદારો બની બેઠા છે ત્યારે જીલ્લા પોલીસવડાની કામગીરી થી વહીવટદારોમાં ફફડાટ ફેલાયો છે.