મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: સ્વચ્છ છબી ધરાવતા અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે વધુ એકવાર પોલીસકર્મીઓનો બદલીનો ગંજીપો ચીપ્યો છે. સતત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની બદલીનો સીલસીલો યથાવત રહ્યો છે. થોડા સમય અગાઉ જીલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશન અને વિવિધ શાખાઓમાં ફરજ બજાવતાં પોલીસકર્મી‍ઓની કામગીરીની સમીક્ષા કરી ફરજમાં નિષ્ક્રય તથા એક સ્થળે વર્ષોથી ચીટકી રહેલાં કર્મચારીઓની બદલી કરી પોલીસતંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને સુધારણા માટે સંકેત આપ્યા હતા ત્યારે વધુ એક વાર બદલીઓનો ગંજીપો ચીપ્યો છે.

જેમાં જીલ્લા ટ્રાફિક પીઆઈ,ધનસુરા પીએસઆઈ અને લીવ રિઝર્વ રહેલા પીએસઆઈની બદલી કરવામાં આવી છે જો કે નવાઈ ની વાત એ છે કે જીલ્લા ટ્રાફિક પોલીસની જવાબદાર ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા સીનીયર એએસઆઈને સુપ્રત કરતા પોલીસ બેડામાં તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે. 
      
અરવલ્લી એસપી સંજય ખરાતે ત્રણ પોલીસ અધિકારીઓની આંતરિક બદલીનો આદેશ કર્યો છે. જેમાં જીલ્લા ટ્રાફિક પીઆઈ તરીકે ફરજ બજાવતા મનીષ વસાવાને સીપીઆઈ મોડાસા,ધનસુરા પીએસઆઈ પી ડી રાઠોડને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં અને લીવ રિઝર્વમાં રહેલા પીએસઆઈ બી.એસ.ચૌહાણને ધનસુરા પીએસઆઈ તરીકે બદલી કરવામાં આવી છે. ત્રણે પોલીસ અધિકારીઓની જાહેર હીતમાં બદલી કરવામાં આવી હોવાની સાથે બદલીના સ્થળે તાત્કાલીક હાજર થવાનો હુકમ કર્યો છે.
 
અરવલ્લી પોલીસ અને તેમની કામગીરી કોઈને કોઈ કારણોસર હંમેશા ચર્ચા સ્થાને રહી છે. છેલ્લા કેટલાક સમયથી ગૃહખાતાની આડપંપાળ અને ભ્રષ્ટ અધિકારીઓની  કારણે જિલ્લા પોલીસની છાપ ખરડાઈ છે. મોટેભાગે વિદેશી દારૂની હેરાફેરી સામે જાણી જોઈ કરાતા આંખ આડા કાન,બુટલેગરો સાથેની ભાઈબંધીને લઈ જિલ્લામાં ઘરફોડ તસ્કરો પણ પોલીસ કબ્જામાંથી દારૂ ચોરતાં શીખી ગયા છે. કોમલ પાસવર્ડ થી દારૂની લાઈન ચલાવનાર પોલીસ કર્મી ગઢવી,શામળાજી પોસઈને અને ત્રણ કર્મચારીઓને બુટલેગરને મદદરૂપ થવાના કારણોસર ફરજ મોકૂફ કરી દેવાયા હતા. અગાઉ પણ અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખાખીને દાગ લગાવતા સસ્પેન્ડ થઇ ચુક્યા છે.