મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: પૂર, ભારે વરસાદ, ભૂકંપ, મહામારી, આફત, તોફાન જેવા કોઈ પણ સંકટના સમયે પોલીસ ડિપાર્ટમેન્ટ હંમેશા પોતાની ફરજ નિભાવવા માટે તૈયાર છે. હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે પોલીસકર્મીઓ જીવના જોખમે પોતાની ફરજ ઇમાનદારીપૂર્વક નિભાવી રહ્યા છે.દિવાળી પર્વમાં લેવાયેલી છૂટછાટથી વકરેલા કોરોનાથી પોલીસ પણ બચી શકી નથી. રાજ્યમાં અત્યાર સુધી અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ દરમિયાન કોરોનાગ્રસ્ત થઇ મોત સામે જંગ હારી ચુક્યા છે. ત્યારે અરવલ્લી જીલ્લામાં ફરજ બજાવતા ત્રણ પીઆઈ કોરોનામાં સપડાતા હોમકોરન્ટાઇન થયા છે. જીલ્લા પોલીસ ભવનમાં અને ટાઉન પોલીસ સ્ટેશનમાં કોરોનાએ પગપેસારો કરતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં કોરોનાનો ભય પેદા થયો છે.
 
વૈશ્વિક કોરોના મહામારીમાં સમગ્ર દેશ પ્રભવિત થયો છે. એવામાં આ મહામારીમાં પોલીસ કર્મચારીઓ પણ બાકાત રહ્યા નથી.અરવલ્લી જિલ્લા ટ્રાફિક પીઆઇ મનીષ વસાવા,જીલ્લા એસઓજી પીઆઈ જે.પી ભરવાડ અને મોડાસા ટાઉન પીઆઈ સી પી વાઘેલા કોરોનામાં સપડાતા ત્રણે પોલીસ અધિકારીઓ હોમ કોરન્ટાઇન થયા છે. એક સાથે ત્રણ પીઆઇ કોરોનામાં સપડાતા તેમની સાથે ફરજ બજાવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. ગંભીર બાબત એ છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવવાની સાથે લોકોની સેવા માટે ખડે પગે ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં કોરોનાનો ઉછાળો નોંધાતા પોલીસ બેડામાં કોરોના સંક્રમણનું સંકટ ઘેરું બન્યું છે.