મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: સ્વચ્છ છબી ધરાવતા અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે એલસીબી દારૂ કાંડ પછી એલસીબીનું વિસર્જન કર્યાના ગણતરીના કલાકો બાદ એલસીબી શાખાનું નવસર્જન કરવાની સાથે વધુ એકવાર પોલીસ અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપ્યો છે. જેમાં મોડાસા ટાઉન પીઆઈ સી.પી વાઘેલાને એલસીબી પીઆઈ તરીકે નિમણુંક કરી છે. જીલ્લામાં ફરજ બજાવતા ૪ પીઆઈ અને ત્રણ પીએસઆઈની આંતરિક બદલી કરી કરવામાં આવતા જીલ્લા પોલીસતંત્રમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. જીલ્લા પોલીસતંત્રમાં સતત થઇ રહેલા ઉલટફેર થી પોલીસકર્મીઓ પણ થાપ ખાઈ રહ્યા છે.

અરવલ્લી એસપી સંજય ખરાતે ૪ પીઆઈ અને ત્રણ પીએસઆઈની આંતરિક બદલીનો આદેશ કર્યો છે. જેમાં મોડાસા ટાઉન પીઆઈ તરીકે ફરજ બજાવતા સી પી વાઘેલાને એલસીબી પીઆઈ, બાયડ પીઆઈ એન.જી ગોહીલને મોડાસા ટાઉન પીઆઈ,સીપીઆઈ મોડાસા એસ.એન પટેલને બાયડ સીપીઆઈ અને બાયડ પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ એલસીબી પીઆઇ આર.કે.પરમારને લિવ રિઝર્વ,એલઆઈબી શાખાના પીએસઆઇ આશિષ પટેલને શામળાજી પોલીસ સ્ટેશન,મોડાસા ટાઉન પીએસઆઈ પી.ડી.રાઠોડને મોડાસા રૂરલ પોલીસ,શામળાજી પીએસઆઈ અનંત દેસાઈ ને રીડર શાખા અને એલઆઈબીનો વધારાનો ચાર્જ તેમજ લિવ રિઝર્વમાં રહેલા પીએસઆઈ એસ.ડી.માળીને મોડાસા ટાઉન પોલીસ પીએસઆઈ તરીકે બદલી કરવામાં આવી છે. તમામ પોલીસ અધિકારીઓની જાહેર હીતમાં બદલી કરવામાં આવી હોવાની સાથે કોઈ પણ જાતના બેક રેફ્રન્સ વગર બદલીના સ્થળે તાત્કાલીક હાજર થવાનો હુકમ કર્યો છે. 


 

 

 

 

 

અરવલ્લી પોલીસ અને તેમની કામગીરી કોઈને કોઈ કારણોસર હંમેશા ચર્ચા સ્થાને રહી છે.છેલ્લા કેટલાક સમયથી ગૃહખાતાની આડપંપાળ અને ભ્રષ્ટ અધિકારીઓની  કારણે જિલ્લા પોલીસની છાપ ખરડાઈ છે.મોટેભાગે વિદેશી દારૂની હેરાફેરી સામે જાણી જોઈ કરાતા આંખ આડા કાન,બુટલેગરો સાથેની ભાઈબંધીને લઈ જિલ્લામાં ઘરફોડ તસ્કરો પણ પોલીસ કબ્જામાંથી દારૂ ચોરતાં શીખી ગયા છે.જીલ્લા પોલીસવડા માટે જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની બુટલેગરો સાથેની ભાઈબંધી પર લગામ લગાવવી પડશે નહીં તો જીલ્લામાં દારૂ કાંડ જેવી ઘટનાઓ આગામી સમયમાં બને તો નવાઈ નહીં...?