જય અમીન (મેરાન્યૂઝ.અરવલ્લી): ૬ વર્ષ અગાઉ અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર સહીત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવતી ઘટના બની હતી. જેમાં રાજસ્થાન તરફથી વિદેશી દારૂ ભરી આવતી કારને અટકાવવા જતા શામળાજી પીએસઆઈ એ.કે. વાળા પર બુટલેગરે કાર ચઢાવી દેતા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે અપોલો હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ૧૯ દિવસ સારવાર પછી આખરે યુવાન પીઆઈઆઈ વાળા જીંદગી સામે જંગ હારી જતા પોલીસબેડાં સહીત જીલ્લામાં શોકની લાગણી છવાઈ હતી. પીએસઆઇ વાળા પર કાર ચઢાવી દેનાર બુટલેગર અને તેના સાથી વિરુદ્ધ શામળાજી પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુન્હો દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. છ વર્ષ સુધી ચાલેલા કોર્ટ કેસમાં આખરે બને આરોપીઓને ખૂનના ગુનામાં બંને આરોપીઓને નિર્દોષ જાહેર કરતા બંને આરોપીઓનો છુટકારો થયો હતો. 

Advertisement


 

 

 

 

 

શામળાજી નજીક આવેલી આંતરરાજ્ય સરહદ પરથી બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડી રહ્યા છે થોડા વર્ષો અગાઉ શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.કે.વાળા અને જીલ્લા એલસીબી પોલીસને રાજસ્થાન તરફથી વિદેશી દારૂ ભરી કાર આવી રહી હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે અને શામળાજી પોલીસે ઠેર ઠેર નાકાબંધી ગોઠવી દીધી હતી. બાતમી આધારિત દારૂ ભરેલી કાર આવતા પીએસઆઈ વાળાએ કાર અટકાવવાનો પ્રયત્ન કરતા બુટલેગરે કાર પીએસઆઇ વાળા પર ચઢાવી દેતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

 

ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પીએસઆઇ વાળા પર કાર ચઢાવી દેનાર માવસિંગ નારસિંગ રાઠોડ અને ચંદનસિંગ ખુમાનસીંગ રાઠોડ સામે શામળાજી પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. બંને આરોપીઓ સામે કોર્ટમાં કેસ ચાલી જતા આખરે આરોપી પક્ષે ધારદાર રજૂઆતનો દોર ચાલ્યો હતો. આખરે ૬ વર્ષ પછી અરવલ્લી જીલ્લા પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ જજે બંને આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા હતા. જોકે હવે અત્યાર સુધી બનેલા તમામ ઘટનાક્રમ પર વિવિધ સવાલો ઊભા થયા છે.