જય અમીન (મેરાન્યૂઝ.અરવલ્લી): અરવલ્લી જીલ્લામાંથી મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓ લોકરક્ષક દળની પરીક્ષા માટે ઉમેદવારી પત્ર ભરી શારીરિક અને લેખિત કસોટી માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. જીલ્લા પોલીસવડા સંજય ખરાતે લોકરક્ષક દળની પરીક્ષાર્થીઓને ભરતી માટેનું સચોટ માર્ગદર્શન મળી રહે તે માટે અરવલ્લી જીલ્લા પોલીસે તપસ્યા એકેડમીના સંયુક્ત ઉપક્રમે મોડાસા ટાઉનહોલ ખાતે સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં જીલ્લાના ૪૦૦ થી વધુ ઉમેદવારો ઉપસ્થીત રહ્યા હતા અને પરીક્ષા અંગે નિષ્ણાત તજજ્ઞો સાથે વાર્તાલાપ કર્યો હતો. 

મોડાસા ટાઉન હોલ ખાતે લોકરક્ષક દળના પરીક્ષાર્થીઓ માટે યોજાયેલ સેમિનારમાં કાયદા વિષય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ટાઉન પીઆઈ નીતિમિકા ગોહિલ, રૂરલ પીઆઈ મુકેશ તોમર, ધનસુરા પીઆઈ એસ.એન.પટેલે આઇપીસી અને સીઆરપીસી એક્ટ વિષે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સેમિનારમાં ઉપસ્થિત પરીક્ષામાં કાયદાનું મહત્વ અને એવિડન્સ એક્ટ વિષે પરીક્ષાર્થીઓને માહિતી આપી અને કઈ રીતે લોકરક્ષક દળની લેખિત પરીક્ષામાં ઉત્કૃષ્ઠ દેખાવ કરી શકાય તેમાટે સમજ આપી હતી. તેમજ સેમિનારમાં ઉપસ્થિત પરીક્ષાર્થીઓ સાથે વાર્તાલાપ કરી તેમની મુંઝવણો અંગે સચોટ દિશા સૂચન કર્યું હતું.