મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિઓ પર લગામ લગાવવા એડીચોંટીનું જોર લગાવી રહી છે. પોલીસતંત્રએ બુટલેગરો અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા મુન્નાભાઈ એમબીબીએસ પર તવાઈ બોલાવી છે. માલપુર પોલીસે હમીરપુર ગામ નજીકથી છોટા હાથીમાં દારૂની ખેપ મારી રહેલા રાજસ્થાની બુટલેગરને ૯૦ હજારના દારૂ સાથે ઝડપી લીધો હતો. ઇસરી પોલીસે વાઘપુર ગામમાં ઓરડીમાં દવાખાનું ચલાવતા રાજસ્થાનના બોગસ તબીબને દબોચી લીધો હતો. શામળાજી પોલીસે અપહરણના ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી નાસતા ફરતા રાજસ્થાનના ઓમપ્રકાશ ભીખારામ સારણ નામના આરોપીને ખોડંબા નજીકથી પેસેંજર વાહનમાંથી ધરપકડ કરી હતી. માલપુર પોલીસે પીકઅપ ડાલામાંથી ૭ ગાય વાછરડા કતલખાને લઇ જતા ત્રણ રાજસ્થાનીઓની ધરપકડ કરી પશુઓને બચાવી લીધા હતા. મોડાસા રૂરલ પોલીસે દોલપુર નજીક પીકઅપ ડાલામાં ૬ પશુઓની ગેરકાયદેસર હેરાફેરી અટકાવી ચાંદ ટેકરીના બે કસાઈને દબોચી લીધા હતા જીલ્લા પેરોલ ફર્લો પીએસઆઈ કે.એસ.સિસોદિયાએ ત્રણ વર્ષ અગાઉ આંબલીયારા પોલીસ સ્ટેશનમાંથી સગીર બાળકીનું અપહરણ કરી રાજકોટમાં છુપાયેલ હસમુખ ઈશ્વર બામણીયાને ઝડપી લીધો હતો. 

માલપુર પી.આઈ.એફ.એલ.રાઠોડ અને તેમની ટીમે તેમના વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરી હમીરપુર ગામ પાસેથી પસાર થતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતા છોટા હાથીને અટકાવી તલાસી લેતા છોટા હાથીમાંથી ખોખામાં પેક કરેલી  વિદેશી દારૂની બોટલ નંગ-કીં.રૂ.૯૦ હજાર સાથે ટેમ્પો ચાલક ડુંગરપુર થાના ગામના નાથુલાલ અમરા યાદવ નામના બુટલેગરને ઝડપી પાડી કુલ.રૂ. ૧૯૦૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. 

Advertisement


 

 

 

 

 

ઇસરી પી.આઈ વી.વી પટેલ અને ઇસરી પોલીસ સ્ટાફે બાતમીના આધારે વાઘપુર ગામે વગર ડિગ્રીએ દવાખાનું ચલાવતા બોગસ તબીબને ઝડપી લીધો હતો. ઇસરી પોલીસે વાઘપુર ગામમાં એક ઓરડીમાં ત્રાટકી રાજસ્થાન કરાવાડાના દીવાનસિંહ કાળુસિંહ રાજપૂત નામના ઉંટવૈદ્યને ઝડપી પાડી તેને ઓરડીમાં રાખેલ એલોપેથીક દવાઓ, મેડીકલ માલસામાન મળી રૂ.૧૧૩૧  નો મુદ્દામાલ જપ્ત કરી બની બેઠેલા બોગસ તબીબની અટકયાત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
 
શામળાજી પીએસઆઈ આશીષ પટેલ શામળાજી અપહરણના ગુન્હાનો છેલ્લા ૬ વર્ષથી નાસતો ફરતો આરોપી ઓમપ્રકાશ સારણ ખાનગી વાહનમાં અપહરણનો ભોગ બનનાર સાથે ખાનગી વાહનમાં શામળાજી-મોડાસા હાઈવે પરથી પસાર થવાનો હોવાની બાતમી મળતા ખોડંબા નજીક વોચ ગોઠવી બાતમી આધારીત ખાનગી પેસેન્જર વાહન આવતા પોલીસે કોર્ડન કરી રાજસ્થાન જોધપુરના ખેડીસલવા ગામના  ઓમપ્રકાશ ભીખારામ સારણને દબોચી લઇ સાથે રહેલ ભોગ બનનારને શોધી કાઢી હતી. છેલ્લા ૬ વર્ષથી અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.