મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લામાં ઇકો કારના સાયલન્સરની ચોરી કરતી ગેંગ સક્રિય થઇ ગણતરીના દિવસોમાં ચારથી વધુ ઇકો કારના સાયલન્સર ચોરી લીધા હતા ત્યારે મેઘરજના રાંજેડીના યુવકે હિંમતનગરના એક શખ્શ સાથે મળી ઇકો કારના સાયલન્સરમાંથી મળતી કિંમતી ધાતુની ચોરી કરવા અલગ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીસ અપનાવી ૨૨ ઇકો કારના સાયલેન્સરમાંથી કિંમતી ધાતુ કાઢી લીધું હતું જેમાં રાંજેડીનો યુવક ઇકો કાર માલિકને અંબુજા કંપનીમાં ઉંચા ભાડે કાર ભાડે જોઈએ છે તેવું જણાવી કાર માલિકને હિંમતનગર એક શખ્શ પાસે લઇ જઈ કાર કંપનીમાં બતાવવા જવાનું જણાવી કાર માલિકને હિંમતનગર બાયપાસ ટોલનાકાની નજીક આવેલ ઓફિસે ઉભો રાખી ઇકો કારને લઇ જઈ સાયલન્સરમાંથી કિંમતી ધાતુ કાઢી લઈ ર માલિકને પરત કરી કાર માલિકને ૫૦૦ રૂપિયા ઇંધણના આપી રવાના કરી દેતા હતા.

મોટા ભાગના કાર માલિકોને બંને શખ્સોએ ઈકો કારના સાયલન્સરમાંથી કિંમતી ધાતુ કાઢી લીધી હોવાની ખબર સુદ્ધાં પડતી ન હતી. અઢી મહિના અગાઉ આ બંને શખ્શનો ભોગ બનેલ પંચાલ ગામના ઇકો કાર માલિક બિપીન ભગોરાએ કારના સાયલન્સરનો અવાજ બદલાતા ગેરેજમાં બતાવતા સાયલન્સરમાથી મેટાલિક કન્વર્ટર કાઢી લીધું હોવાની જાણ થતા મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા અરવલ્લી એલસીબી પોલીસે સાયલન્સરમાંથી ધાતુની ચોરી કરતા ૨ ચોરને ઝડપી પાડયા હતા.

    અરવલ્લી એલસીબી પીઆઈ આર કે પરમાર અને તેમની ટીમે મેઘરજ ના રાંજેડી ગામના સચિન ધીરજભાઈ બામણા અને હિંમતનગરના ચંદનગરમાં રહેતા તાહીરહુસેન મહમદશા દીવાનને ઝડપી લઈ અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર સહીત વિસ્તરોમાંથી ૨૨ ઈકો કાર માલિકોને કાર કંપનીમાં ભાડે આપવાના બહાને ઇકો કારના સાયલન્સરમાંથી કિંમતી ધાતુ કાઢી લીધું હોવાનો પર્દાફાશ કર્યો હતો. 

કઈ રીતે ઇકો કારના માલિકો સાથે છેતરપિંડી કરતા હતા   

  મેઘરજનો રાંજેડી ગામનો સચિન બામણા મેઘરજ સહીત અન્ય વિસ્તારોમાં ઇકો કાર માલિકો સાથે સંબન્ધ બનાવી ખાનગી કંપનીમાં મહિને ૪૦ હજાર ભાડું અપાવવાનો વિશ્વાસ અપાવી કારમાલિકને ડોક્યુમેન્ટ સાથે હિંમતનગર ઓફિસ ધરાવતા તાહીરહુસેન પાસે લઈ જઈ કાર અને કારના કાગળિયા કંપનીમાં બતાવવા પડશે તેમ જણાવી કાર માલિકને ઓફિસે બેસાડી સચિન કાર લઇ જઈ કારના સાયલન્સર માંથી કિંમતી ધાતુ કાઢી લઈ ગણતરીના સમયમાં કાર પરત લઇ આવી કાર માલિકને કાર કંપનીને પસંદ હોવાથી આવતા મહિનાથી ભાડે બાંધવામાં આવશેનું જણાવી ઇંધણના ૫૦૦ રૂપિયા આપી રવાના કરી દેતો હતો.