મેરાન્યૂઝ નેટવર્ક.ધનસુરાઃ ધનસુરા પોલીસે શુક્રવારે રાત્રીના સુમારે ચાર રસ્તા પર વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું ત્યારે મોડાસા તરફથી શંકાસ્પદ ઝડપ સાથે આવી રહેલી કારને પોલીસે અટકાવવા ઈશારો કરતા કાર ચાલકે રોડ પર કાર ધીમી કરી યુટર્ન લઇ કાર મોડાસા તરફ પરત હંકારી મુકતા ધનસુરા પોલીસે સરકારી જીપમાં પીછો કરતા કાર ઉભી નહીં રહેતા ધનસુરા પોલીસે મોડાસા પોલીસને શંકાસ્પદ કાર અંગે જાણ કરતા મોડાસા ટાઉન પોલીસે રાણાસૈયદ નજીક બેરિકેડ લગાવી નાકાબંધી કરતા કાર ચાલક બેરિકેડ તોડી કાર હંકારી મૂકી ચાંદટેકરી વિસ્તારમાં અંધારમાં કાર મૂકી કાર ચાલક અને અન્ય શખ્સ ફરાર થઇ જતા બંને તાલુકાની પોલીસ હાથ ઘસતી રહી ગઈ હતી. ધનસુરા પોલીસ કર્મીએ કાર ચાલક સહીત અજાણ્યા ઈસમ સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા કાર અને પોલીસ વચ્ચે જામેલી રેસમાં પદયાત્રીઓ અને અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા હતા. ધનસુરા પોલીસે કાર માંથી કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવી ન હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. 

ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ ચાર રસ્તા પર વાહનોનું સઘન ચેકીંગ હાથધરતાં મોડાસા તરફથી આવતી સેવરોલેટ નિયો-૨ (ગાડી.નં. GJ-05-CH-5188) નંબર વાળી કારને અટકાવવા પોલીસે બેટરી અને લાકડી વડે ઈશારો કરતા પોલીસ ચેકીંગ જોઈ કાર ચાલક કાર રોડ પર ધીમી પાડી કારનો યુટર્ન લઇ કાર પરત મોડાસા તરફ દોડાવતા ધનસુરા પોલીસને કાર શંકાસ્પદ જણાતા કારનો સરકારી ગાડીમાં પીછો કર્યો હતો પોલીસે કારને શીકા ચોકડી નજીક આંતરી ઉભી રાખવાનો પ્રયત્ન કરતા કાર ચાલકે કારને ફૂલ સ્પીડે હંકારી મૂકી હતી રહિયોલ રેલવે ફાટક નજીક સરકારી જીપ નજીક આવતા કાર ચાલકે ફિલ્મી સ્ટન્ટની માફક બે ટ્રક કન્ટેનર વચ્ચેથી પસાર કરતા કાર ટ્રક કન્ટેનરને અથડાઈ હોવા છતાં નહીં અટકતા પોલીસ અને કાર વચ્ચે ફીલ્મી દ્રશ્યો સર્જાયા હતા. 

ધનસુરા પોલીસે શંકાસ્પદ કાર અંગે મોડાસા પોલીસને જાણ કરતા પોલીસે રાણાસૈયદ ચોકડી પર બેરિકેડ લગાવી નાકાબંધી કરતા કાર ચાલકે કાર રોડ સાઈડ નીચે ઉતારી લોખંડના બેરિકેડને ટક્કર મારી કાર હંકારી મુકતા ટાઉન પોલીસ પણ ચોકી ઉઠી હતી. ટાઉન પોલીસે અને ધનસુરા પોલીસે કારનો પીછો ચાલુ રાખતા કાર ચાલકે કાર ચાંદટેકરી વિસ્તારમાં દોડાવી મૂકી હતી અને અંધારામાં કાર રોડ બાજુ રાખી કાર ચાલક અને અન્ય શખ્સ ફરાર થઇ ગયા હતા. ધનસુરા પોલીસે કાર ચાલક અને અજાણ્યા ઈસમ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.