મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા જળાશયો અને નદી-નાળા બે કાંઠે વહી રહ્યા છે માલપુર પંથકમાં ૩ ઇંચ વરસાદ ખાબતા  કોઝવે પર પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. ગોરીયા ગામ નજીક આવેલ કોઝવે પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર થંભ્યો હતો. બાઈક સવાર ત્રણ યુવકોએ કોઝવે પરથી પસાર થતા પાણીમાં બાઈક સાથે તણાતા સ્થાનિક લોકોએ દોડી જઈ બચાવી લીધા હતા. આ ઘટના અંગેનો વીડિયો વાયરલ થતા કોઝવેના કિનારે ઉભેલા લોકો “ગાડી ઉડી ગઈ તણાઈ પકડો” ની બૂમો મારતા સ્પષ્ટ સાંભળી રહ્યા છે.

રાજ્યમાં મેઘરાજાએ ધોધમાર હેત વરસાવ્યું છે. ચાલુ વર્ષે અનેક વાહન ચાલકો અને લોકો ધમધસતાં પાણીના પ્રવાહમાં તણાયા હોવાની ઘટનાઓ બની છે. કેટલાક વાહન ચાલકો જીવન જોખમે અને અન્ય લોકોની જિંદગી જોખમાય તે રીતે કોઝવે પર અને ડીપ પરથી પસાર થતા પાણીમાં વાહન નાખી રોડ પસાર કરવાનું જોખમ લેતા હોય છે. 

માલપુર પંથકમાં ભારે વરસાદને લઈને ગોરીયા ગામ નજીક આવેલા કોઝવે પર પાણી ફરી વળતા સ્થાનિક લોકો અને વાહનચાલકો ઉભા રહી ગયા હતા. ત્રણ લવરમૂછિયા યુવકો બાઈક પર કોઝવે પરથી પસાર થતા ધમધમતા પાણીના પ્રવાહમાંથી પસાર થવાનો પ્રયત્ન કરતા પાણીના વહેણમાં બાઈક સાથે ત્રણે યુવકો તણાતા સ્થાનિક લોકોએ ત્રણે યુવકોને બાઈક સાથે બચાવી લેતા સદનસીબે જાનહાની ટળી હતી.