મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લા ૧૮૧ અભયમની ટીમ અનેક લોકો માટે આશીર્વાદ રૂપ બની છે સાબરકાંઠા જીલ્લાના તલોદ તાલુકાના બડોદરા ગામના વૃધ્ધા તેમના પિયર હિંમતનગર તાલુકાના નવલપુર જવા નીકળ્યા હતા. અમદાવાદ-મોડાસા રોડ પર આવેલી રોઝડી ચોકડી પરથી ખાનગી જીપમાં બેસતા જીપચાલકે વૃદ્ધાને ધનસુરા તાલુકાના નવલપુર ગામે ઉતારી દેતા વૃધ્ધા ભટકી ગયા હતા. આખો દિવસ ગામમાં ફરી ફરી વૃધ્ધા થાકીને ચક્કર ખાઈ પડી જતા માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી.

નવલપુર ગામના સરપંચ સહીત સ્થાનિક લોકો વૃધ્ધાની મદદે પહોંચ્યા હતા વૃદ્ધાને શાંત્વના આપી પૂછપરછ કરતા વૃધ્ધા ડરી ગયા હોવાથી કંઈપણ જાણવાની સ્થિતિમાં ન હોવાથી સરપંચે  ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કરતા અરવલ્લી જીલ્લા ૧૮૧ અભયમ ટીમના કાઉન્સિલર જીજ્ઞા પટેલ અને કોન્સ્ટેબલ ઈલાબેન નવલપુર પહોંચ્યા હતા. વૃધ્ધા ડરી ગયેલા અને માથાના ભાગે ઇજા પહોંચી હોવાનું જણાતા સરકારી દવાખાને સારવાર આપી ગામનું નામ પુછતા ગભરાઈ ગયેલ વૃધ્ધા અલગ-અલગ ગામના નામ બતાવતા ૧૮૧ અભયમ ટીમ પણ મુશ્કેલીમાં મુકાઈ હતી.

૧૮૧ અભયમની ટીમે પોલીસતંત્રને જાણ કરતા પોલીસે પોલીસ સ્ટેશનો અને બંને જીલ્લાના સરપંચોના વિવિધ સોશ્યલ મીડિયાના ગ્રૂપોમાં મોકલતા વૃધ્ધા તલોદ તાલુકાના બડોદરા ગામના હોવાની માહિતી મળતા ૧૮૧ અભયમની ટીમ વૃધ્ધા મહિલાને લઈને બડોદરા ગામે પહોંચી પરિવારજનો સાથે મેળાપ કરાવતા પરિવારજનો અને ગ્રામજનોમાં આનંદ છવાયો હતો વૃદ્ધ મહિલાના પરિવારજનો અને ગ્રામજનોએ અભયમ ટીમનો આભાર માન્યો હતો.