મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં સામાન્ય બાબતોમાં લોકો એક બીજાના ખૂનના પ્યાસા બન્યા હોય તેમ હીંચકારો હુમલો કરી હત્યાની ઘટનાને અંજામ આપી રહ્યા છે. મોડાસાના કુડોલ (ઘાંટા) ગામે ૪૨ વર્ષીય યુવકની હત્યા તેના ભાઈ અને ભત્રીજાઓએ કરી દીધી હોવાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યારે વધુ એક હત્યાની ઘટના ભિલોડા તાલુકાના મહુડીયાદેરા ગામે બની છે. જેમાં ૮૫ વર્ષીય વૃદ્ધની જમીનમાં નળિયાના રસ્તાને લઇને તેના સગ્ગા ભાઈ અને ૪ ભત્રીજાઓએ મળી ગડદાપાટુનો માર મારી હત્યા કરી ફરાર થઇ જતા હત્યાની ઘટનાના પગલે ભિલોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક વૃદ્ધની લાશને પીએમ માટે ખસેડી હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં હતા.
 
ભિલોડાના મહુડીયોદેરા ગામે સુકાજી રામજીભાઈ મોરી તેમની પત્ની સાથે ખેતીકામ કરી જીવન નિર્વાહ ચાલવી રહ્યા હતા. શુક્રવારે ૯ વાગ્યાના સુમારે જમીનમાં નળિયાના રસ્તા બાબતે તેમના સગ્ગા ભાઈ કાનજી રામજીભાઈ મોરી અને તેમના પુત્રોએ સુકાજી મોરી સાથે ઝગડો કરી ગડદા પાટુનો માર મારી હત્યા કરી દેતા ભારે ચકચાર મચી હતી હત્યાની ઘટનાના પગલે લોકો દોડી આવ્યા હતા. હત્યાની ઘટનાને અંજામ આપી ૫ હત્યારાઓ ઘટનાસ્થળે થી રફુચક્કર થઇ ગયા હતા. હત્યાની ઘટનાના પગલે ભિલોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી પ્રાથમીક તપાસ હાથધરી હતી. 

ભિલોડા પોલીસે મૃતક વૃદ્ધની પત્ની અમરીબેન સુકાજી મોરીની ફરિયાદના આધારે (૧) કાનાજી રામાજી મોરી (૨) અર્જુનભાઇ કાનાજી મોરી (૩) રમેશભાઇ કાનાજી મોરી (૪) જગદિશભાઇ કાનાજી મોરી (૫) ઇશ્વરભાઇ કાનાજી મોરી વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.