જય અમીન (મેરાન્યૂઝ.મોડાસા):

૧) દારૂબંધીની અમલવારી અને સરહદો પરથી વિદેશી દારૂની તસ્કરી પર બ્રેક લગાવવી 

૨) મોતની મુસાફરી કરાવતા ખાનગી પેસેન્જર વાહન ચાલકો 

૩ ) પશુઓની તસ્કરી અટકવાની અમલવારી 

૪) સતત વધી રહેલા સગીર યુવતીઓ અને મહિલાઓ પરના અત્યાચાર 

૫) મોડાસામાં ટ્રાફિકની સમસ્યા 

 

 

અરવલ્લી જીલ્લામાં સતત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ઘરફોડિયા ગેંગ, તસ્કરો અને ચેઇનસ્નેચર્સના તરખળાટ સહીત દેશી વિદેશી દારૂની રેલમછેલ અને જીલ્લાની શામળાજી નજીક રતનપુર બોર્ડર સહીત અન્ય આંતરરાજ્ય સરહદો પરથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઘુસાડવાના મનસુબાઓ ધરાવતા શખ્સો, ઉપરાંત નાબાલિગ યુવતીઓ અને મહિલાઓ પર સતત વધી રહેલા અત્યાચાર અને અસામાજિક તત્વો ખોફ, જુગાર, વરલી-મટકા, સટ્ટાબાજી અને આંકડા રમાડવા સહીત અનેક પડકાર જીલ્લામાં નવનિયુક્ત એસ.પી સંજય ખરાટ સામે ઊભા છે ત્યારે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની અમલવારી કરાવવામાં કેવા પ્રકારના પગલાં ભરશે તે અંગે ચર્ચાઓએ જોર પકડ્યું છે.

અનેક વખત એવી ફરિયાદો ઉઠી છે કે અરવલ્લી જીલ્લા મથક સહીત મોટાભાગના પોલીસ સ્ટેશન ચોરી, લૂંટ-ફાટ, ચેઈનસ્નેચીંગ સહીત અનેક ગુનાઓમાં પીડિત પાસે ફરિયાદ લેવામાં ગલ્લાંતલ્લાં કરવામાં આવે છે ફરિયાદ ન નોંધી ક્રાઈમરેટ ઓછો બતાવી પીડિત સાથે અન્યાય થતો બંધ થશે કે નહીં...? ફરિયાદ નોંધાવવા રંજાડ તો નહીં થાયને ફરિયાદીને ...? અરવલ્લી જીલ્લામાં ઠેર ઠેર વિદેશી અને દેશી દારૂના અડ્ડા અને હોમ ડિલિવરી, યુવાધનને બરબાદીના ગર્તામાં ધકેલાતો ગાંજો અને ચરસનું વેચાણ અને જુગારના અડ્ડા,વરલી-મટકા અને આંકડાની રમત અને સટ્ટાબાજી પર કાબુ મેળવવામાં સફળ રહેશે કે નહીં..? જીલ્લાની શામળાજી રતનપુર આરટીઓ ચેકપોસ્ટ સરહદ પરથી હપ્તારાજમાં કરોડો રૂપિયાનો ગુજરાતમાં ઠલવાતો વિદેશી દારૂ અને નશાકારક પદાર્થોની તસ્કરી, મેઘરજના કાલીયાકુવા, રેલ્લાવાડા અને માલપુર અને ભિલોડાની સરહદો પરથી ગ્રામ્ય વિસ્તારોમાંથી થતા દેશી વિદેશી દારૂનું વહન  અટકાવી શકશે કે નહીં..?

ઉપરાંત જિલ્લામાં પોલીસ તંત્ર અને આરટીઓના અધિકારીઓની રહેમ નજર હેઠળ હાઈવે અને અંતરિયાળ માર્ગો પર દોડતા અને મુસાફરોથી અંદર, ઉપર-નીચે ખીચોખીચ ભરી લોકોના જીવ જોખમમાં મુકતા ખાનગી પેસેન્જર વાહનો , જીલ્લા સહીત ઉત્તર ગુજરાત અને બીજા રાજ્યોમાંથી પશુઓની તસ્કરી કરી ગેરકાયદેસર કતલખાને ઘુસાડવાનો ગોરખ ધંધામાં સંકળાયેલા પશુ તસ્કરો અને કસાઈઓ સામે કાનૂની ગાળીઓ કસવામાં અવશેકે કેમ ..? સગીર દીકરીઓ અને મહિલાઓ પર થતા અત્યાચાર  હત્યા, બળાત્કાર, છેડતી, જેવા જધન્ય અપરાધોનો ઊંચકાઈ રહેલા ગ્રાફને અટકાવવા અને કાબુમાં લેવામાં સફળતા મળશે કે નહીં...? જેવી અનેક ચર્ચાઓ જીલ્લાના જાગૃત નાગરિકો અને પ્રજાજનોમાં ચર્ચાએ જોર પકડ્યું છે જીલ્લાના યુવાન એસ.પી સામે જિલ્લાવાસીઓ આશાસ્પદ બન્યા છે.

જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ટ્રાફિકની ઘટના નગરજનો અને રાહદારીઓ માટે માથાના દુઃખાવા રૂપ બની રહે છે. ચાર રસ્તાથી બસ સ્ટેન્ડ, કોલેજ રોડ, બસ સ્ટેન્ડ પાછળ, માલપુર રોડ, મેઘરજ રોડ, ડીપ વિસ્તારોમાં ખડકાયેલા રહેતા પેસેન્જર વાહનો, વાહનચાલકોને આડેધડ પાર્કિંગ અને રાજમાર્ગો પર ખડકાયેલા લારીવાળા અને ફેરિયાવાળાઓથી સર્જાતો ટ્રાફિકથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે ત્યારે ટ્રાફિક સર્જનાર પરિબળો સામે દંડનીય અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પ્રબળ બની છે. જીલ્લા પોલીસતંત્રની શંકાના દાયરામાં આવેલી કામગીરીની છાપ સુધારવામાં સફળતા મળશે કે નહીં .. સહીત જીલ્લા પોલીસતંત્રમાં ફરજબજાવતા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની સ્થાનિક બુટલેગરો અને આંતરરાજ્ય બુટલેગરો સાથેની ચર્ચાતી ભાઈ બાંધી ખાળવામાં સફળ રહેશે કે નહીં...? જેવા યક્ષ પ્રશ્નો લોકોના મનમાં ઉદભવ્યા છે.