જય અમીન (મેરાન્યૂઝ.અરવલ્લી): થોડા મહીના અગાઉ SMA -1 નામની ગંભીર બીમારીથી પીડાતા ધૈર્યરાજ સિંહ રાઠોડ નામના ત્રણ મહિનાના બાળકની સારવાર માટે ૨૨ કરોડના ઈન્જેક્શનની જરૂર પડતા બાળકના માતા-પિતાએ મીડિયા અને સોશ્યલ મીડિયા થકી સરકાર અને લોકો સામે મદદ માટે હાથ લંબાવતા ગુજરાતમાં ચારેતરફથી બાળકની મદદ માટે લોકો આગળ આવ્યા હતા અને  ધૈર્યરાજસિંહને નવજીવન મળ્યું હતું. ત્યારે અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે એક ગરીબ પરિવારનું ૯ વર્ષીય બાળક મસ્કયુલર ડિસ્ટ્રોફીથી પીડાઈ રહ્યું છે. આર્થીક રીતે સક્ષમ ન હોવા છતાં અનેક ખાનગી અને સરકારી દવાખાનામાં સારવાર કરાવ્યા પછી પણ બાળકની બીમારી ઓછી ન થતા અને બાળકને અસહ્ય પીડા થતા ગરીબ પરિવારે બાળકની સારવાર ખુબ ખર્ચાળ હોવાથી સરકાર અને લોકોને મદદ માટે મીડિયાનો સહારો લેવાની ફરજ પડી છે.

મસલ્સને વીક બનાવતા રોગને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી તરીકે ઓળખવામાં આવે છે. બાળકને આ બિમારીથી નિદાન થાય, ત્યારે તે ધીમે ધીમે ચાલવા, આરામદાયક શ્વાસ લેવા અથવા તેના હાથ અને પગને ખસેડવાની ક્ષમતા ગુમાવી દે છે. નબળાઈ ધીમે ધીમે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી જાય છે.ત્યારે ટીંટોઈ ગામનો ૯ વર્ષીય બાળક મસ્કયુલર ડિસ્ટ્રોફીનો ભોગ બનતા ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ગરીબ પરિવાર તેમનું બાળક સામાન્ય બાળકોની જેમ રમતું-ખેલતું થાય તે માટે સરકાર અને લોકો સામે મદદ માટે હાથ લંબાવ્યો છે.

Advertisement


 

 

 

 

 

ટીંટોઈ ગામના વસંતભાઈ પરમારના ઘરે ૯ વર્ષ પહેલા અંશ નામના  દીકરાનો જન્મ થયો ત્યારે ઉલ્લાસ ભર્યો માહોલ હતો પરંતુ આ ખુશી થોડો સમય પણ ટકી નહીં તેમના બાળકને શારિરીક તકલીફ થતા તબીબને બતાવતા તબીબે બાળકને મસલ્સ ડિસ્ટ્રોફી નામની બીમારી હોવાનું જણાવતા ગરીબ પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો અને બાળકને ગંભીર બીમારીમાંથી છુટકારો મળે તે માટે છેલ્લા ૯ વર્ષથી અનેક દવાખાનાના પગથિયા ચઢી થાકી ગયા છે. તેમ છતાં બાળકની બીમારી દિવસે દિવસે ગંભીર થતા ૯ વર્ષીય અંશને અસહ્ય પીડા પરિવાર ભારે વ્યાકુળ બન્યો છે. 

મસ્કયુલર ડિસ્ટ્રોફીની સારવાર માટે ૨૦ લાખ રૂપિયા જેટલો તોતિંગ ખર્ચ થતો હોવાથી પરિવાર બાળકની સારવાર કરાવવા લાચારી અનુભવી રહ્યો છે ત્યારે બાળકના માતા-પિતાએ અંશને બીમારી માંથી છુટકારો થાય તે માટે સરકાર અને લોકો સામે મદદ માંગવા મીડિયાનો સહારો લીધો છે અને બાળકને ઝડપથી સરકાર અને લોકોની મદદ મળે તેવી ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.