મેરાન્યૂઝ નેટર્વક.મોડાસા : અરવલ્લી જીલ્લામાં સમયાંતરે યુવતીઓ,મહિલાઓ અને સગીરાઓ રહસ્યમ રીતે ગુમ થવાના બનાવો બનતા રહે છે. મોડાસા શહેરના ડીપ વિસ્તારમાં ખાનગી હોસ્ટેલમાં રહેતી ૧૯ વર્ષીય યુવતી સાકરીયા નર્સિંગ કોલેજમાં જવાનું કહી ઘરે થી નીકળ્યા પછી લાપત્તા થઇ જતા પરિવારજનોએ ભારે શોધખોળ કર્યા પછી પણ કોઈ ભાળ ન મળતા આખરે પરિવારે પોલીસનું શરણ લીધું છે. મોડાસા ટાઉન પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સાકરીયા નજીક ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનું અપહરણ થયું કે પછી અન્ય કોઈ કારણોસર ગુમ થઇ તે અંગે શહેરમાં તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે. 
 
મોડાસાના ડીપ વિસ્તારમાં આવેલી હોસ્ટેલમાં રસોઈયા તરીકે નોકરી કરતા પરીવારની ૧૯ વર્ષીય યુવતી મંગળવારે સવારે રાબેતા મુજબ સાકરીયા નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરવા નીકળ્યા પછી સાંજે ઘરે પરત ન ફરતા વિદ્યાર્થીના પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. પરિવારજનોએ તેણીની સગાસંબંધીમાં તેમજ આસપાસના વિસ્તારમાં શોધખોળ આરંભી હતી. જો કે બીજા દિવસ સુધી યુવતીનો અત્તોપતો ન મળતા બેબાકળા બનેલા પિતાએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન પહોંચી તેમની પુત્રી ગુમ થઇ હોવાની જાણવાજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે રહસ્યમય રીતે ગુમ થયેલી નર્સિંગની વિદ્યાર્થીની શોધખોળ હાથધરી છે.