મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: ગુજરાતમાં મોટા ભાગની કચેરીઓમાં આઉટ સોર્સીંગ એજન્સીઓના સહારે કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે અને સરકારી કામકાજનું ગાડું ગબડાવી રાખે છે. રાજ્યમાં આઉટ સોર્સીંગ એજન્સીઓ કર્મચારીઓનું શોષણ કરતી હોવાની અને કર્મચારીઓને સમયસર પગાર નહિ ચૂકવી સરકારી પરીપત્રનો ઉલ્લઘંન કરતી હોવાની અનેક બૂમો વારંવાર ઉઠી રહી છે. ત્યારે અરવલ્લી જીલ્લામાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં આઉટસોર્સીંગથી ફરજ બજાવતા હેલ્થ કર્મચારીઓને સમયસર પગાર ચૂકવતી ન હોવાથી હેલ્થ કર્મચારીઓને જીવન નિર્વાહ ચલાવવામાં ફાંફા પડતા અને પગારમાં પણ અન્યાય થતા જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી.

અરવલ્લી જીલ્લામાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં આઉટ સોર્સીંગ એજન્સી મારફતે હેલ્થ કર્મચારી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ જીલ્લા કલેકટરને એજ્ન્સી સમયસર પગાર ચૂકવતી ન હોવાથી અને અગાઉ એપ્રીલ મહિનામાં જીલ્લા કલેકટરને પગાર અંગે અરજી આપી હતી, પણ તેનું પણ નિરાકારણ આવ્યું ન હોવાનું જણાવ્યું હતું. તેમજ એજન્સી સરકારી પરીપત્ર અનુસાર પગાર સીધા કરાર આધારીત કર્મચારીઓના બેંક ખાતામાં જમા કરવાતી નથી તેમજ સરકારી ધારાધોરણ મુજબ પગાર પણ ચુકવવામાં આવતો ન હોવાનું જણાવ્યું હતું એજન્સી સમયસર પગાર ન ચૂકતી હોવાથી જીવન નિર્વાહ ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી સમયસર પગારની માંગ અંગે ન્યાયની માંગ કરી હતી.