મેરાન્યૂઝ નેટવર્ક. મોડાસા: શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સ્માર્ટફોન અને સોશ્યલ મીડિયાનો બહોળો ઉપયોગ કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અશિક્ષિત લોકો પણ સ્માર્ટફોનનું ઘેલું લાગ્યું છે. અરવલ્લી જીલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારો વચ્ચે ભારે જંગ જામ્યો છે. ત્યારે સરપંચ પદ અને સભ્યપદ માટે ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. સ્માર્ટફોનના જમાનામાં ઉમેદવારો ડોર ટુ દોર અને ખાટલા બેઠકો યોજી રહ્યા હોવાની સાથે સોશ્યલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ડિઝિટલ યુગમાં પ્રચાર - પ્રસાર હાથવગો બની ગયો છે. શુભ સવારના મેસેજની સાથે વચનોની ભરમાર વાળા મેનીફીસ્ટો - ચૂંટણી ઢંઢેરો મોકલવામાં આવી રહ્યો છે.
પ્રતિદિન ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પણ હાઇટેક બની રહી છે. અરવલ્લી જીલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જમીની સ્તરે પ્રચારની સાથે હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી ઉમેદવારો લોકોને આકર્ષિત કરવા પ્રયત્ન કરી રહ્યા છે. ઉમેદવારો અને તેમના ટેકેદારોએ પ્રચાર પ્રસાર માટે ફેસબુક, ટ્વીટર અને વોટ્સએપ જેવા સોશ્યલ મીડિયાનો સહારો લીધો છે. આ ઉપરાંત સરપંચ આવનારી ચૂંટણીમાં લોકોને પોતાની તરફ આકર્ષવા માટે મેનીફેસ્ટો બહાર પાડી લોકો પાસે વોટની માંગણી કરી રહ્યા છે. સરપંચ પદથી માંડી સભ્યોના ઉમેદવારોએ જીતવા માટે સોગઠા ગોઠવવા માંડ્યા છે.
Advertisement
 
 
 
 
 
ઉમેદવારો ચૂંટણી પ્રચાર થકી લોકોને લોભામણી સ્કીમો અને ગામની સુરત બદલી નાખવા માટે મતદારોને ખાતરી આપી રહ્યા છે. ગામમાં ખાટ પરીષદો ઉપરાંત રાત્રિ બેઠકોનો દૌર જામ્યો છે. આ વચ્ચે ઉમેદવારોએ સોશિયલ મીડિયાનો પણ ભરપૂર ઉપયોગ શરૂ કર્યો છે. તેમાંય ખાસ કરીને યુવા ઉમેદવારોએ સોશિયલ મીડિયા પર પ્રચારનો ધમધમાટ બોલાવ્યો છે. પોતાના ફોટા સાથે કામ કરવાના લાંબા લચક મુદ્દાઓ લખી મતદારોને વાયદા કરી રહ્યા છે. ઉપરાંત વોટ્સ એપમાં ગામના લોકોના ગ્રુપ બનાવી ફોરવર્ડ થઈ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા કોને કેટલુ ફળદાયી નીવડે છે, તે પરીણામના દિવસે જ ખબર પડશે.