મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ પોલીસતંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મીઓ ખાખીને દાગ લગાડી રહ્યા છે. ખાખીની આડમાં ગેરકાયદેસર પ્રવૃતિઓમાં અનેકવાર પોલીસતંત્રના અધિકારીઓ અને કર્મીઓની સંડોવણી હોવાની ઘટનાઓ છાસવારે સામે આવી રહી છે, ત્યારે અરવલ્લી બાયડ તાલુકાની ડેમાઈ જીલ્લા પંચાયત સીટના કોંગ્રેસના સદસ્ય કીર્તિ પટેલે અને ગામના યુવાનોએ પીકઅપ ડાલામાં બાંધી રાખેલી ગાય સાથે પીકપડાલાને ઝડપી લીધું હતું અને ફેસબુક લાઈવ કરી પીકપડાલુ ગાંધીનગર આર.આર.સેલમાં ફરજ બજાવતા ઇમરાન ભાઈ નામના પોલીસકર્મીનું હોવાનું અને તેમની સંડોવણી હોયતો તેમની સામે જીલ્લા પોલીસવડા મયુર પાટીલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી હતી.

પીકઅપ ડાલા સાથે પકડાયેલા વ્યક્તિઓને બાયડ પોલીસ સ્ટેશને લઈ જવાતા બાયડ તાલુકાના ભાજપના અગ્રણી આરોપીઓને છોડાવવા પોલીસ સ્ટેશન પહોંચતા જીવદયા પ્રેમીઓમાં નેતા સામે ભારે રોષ જોવા મળ્યો હતો. બીજી બાજુ બાયડ પોલીસ સ્ટેશનમાં પીકઅપ ડાલામાં રહેલી ગાય મામલે કોઈ ગુનો નોંધાયો નથી. પીકઅપ ડાલાના ડ્રાઈવર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હોવાનું ફરજ પરના પીએસઓએ જણાવ્યું હતું.

અરવલ્લી જીલ્લામાં ગેરકાયદેસર કતલખાનાં ધમધમી રહ્યા છે તેવી ઘણીવાર બુમો સંભળાઈ છે. જીલ્લામાં કસાઈઓ પોલીસતંત્રની ઢીલી નીતિના પગલે બિંદાસ્ત વાહનોમાં ગૌવંશ અને અન્ય પશુઓની મોટા પ્રમાણમાં કતલખાને પહોંચાડવા ગેરકાયદેસર હેરાફેરી કરી રહ્યા હોવાનું પણ અવારનવાર સંભળાયું હતું. આ ઘટનાને પગલે હવે આ પ્રકારના આક્ષેપોને વધુ વેગ મળ્યો છે.

બાયડ તાલુકાની ડેમાઈ જિલ્લા પંચાયત સદસ્ય કીર્તિ પટેલ અને યુવાનોએ ડેમાઈ નજીકથી શનિવાર રાત્રે કપડવંજ તરફથી પીકઅપ ડાલામાં ગાય ભરીને પસાર થતું અટકાવ્યુ હતું. કીર્તિ પટેલે ફેસબુક લાઈવ કરી પીકપડાલું કોનું છે અંગે ડ્રાઇવરની પૂછપરછ કરી ઓર્ડર નંબર માંગતા પીકઅપ ડાલુ આર.આર.સેલ ગાંધીનગરમાં ફરજ બજાવતા ઈમરાન ભાઇ ખોખર નામના કર્મચારીનું હોવાનું અને આ અંગે કીર્તિ પટેલે ઇમરાન ખોખર સાથે વાત કરતાં તેમને પીકઅપ ડાલુ ભાડે આપેલ હોવાનું જણાવ્યું હોવા અંગે રેકોર્ડિંગ પણ તેમની પાસે હોવાનું એફબી લાઈવમાં જણાવ્યું હતું. પોલીસ જ પોલીસ કર્મચારીને છાવરતી હોવાની અને ઇમરાન નામના પોલીસકર્મી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરતાં પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ગૌવંશને ગેરકાયદેસર કતલખાને ધકેલવાનું મોટું કૌભાંડ ચાલતું હોવાનું અને આની સાચી દિશામાં તપાસ થાય તો મોટા રેકેટનો પર્દાફાશ થઇ શકે છે તેમ જણાવ્યું હતું. જોકે પોલીસ કર્મીએ પોતે આ વાહન ભાડે આપ્યું હોવાનું કહ્યું હતું.