મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોએ વહેલી સવારથી જ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મેઘરજ ગ્રામ પંચાયત રાસકસી ભરી ચૂંટણીમાં મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. મેઘરજની કન્યાશાળામાં વોર્ડ.નં-૨ અને ત્રણનું ભેગું મતદાન મથક હોવાથી મતદાનના અંતિમ કલાકોમાં મતદારોની ભારે ભીડ ઉમટી હતી. મતદારોને મતદાન કર્યા પછી આંગળી પર લગાવવામાં આવતી અલોપ્ય શાહી ખૂટી જતા તંત્રની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા હતા. સોશ્યલ ડીસ્ટન્સના ભારે ધજાગરા થયા હતા મેઘરજ મામલતદાર ઘટનાસ્થળે પહોંચી સ્થિતી થાળે પાડી હતી. મામલતદાર પણ માસ્ક વગર જોવા મળ્યા હતા. 

અરવલ્લી વહીવટી તંત્રએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોરોના ગાઈડ લાઈન અનુસાર મતદાન પ્રક્રિયા હાથધરવામાં આવશે અને મતદારો માટે ગ્લોવ્ઝની વ્યવસ્થા કરવાની મસમોટી વાતો વચ્ચે જીલ્લાના તમામ મતદાન મથકો પર કોરોના ગાઈડલાઈનના લીરેલીરા ઉડ્યા હતા. મેઘરજ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કન્યાશાળામાં વોર્ડ.નં-૨ અને ત્રણનું મતદાન મથક પર સુરક્ષા જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભારે ભીડ જોવા મળી હતી. મતદારોએ વોર્ડ.નં-૨ નું બેલેટ પેપર વોર્ડ.નં-૩ ના મતદારોને આપ્યું હોવાના આક્ષેપ મતદારોએ કરી ભારે આક્રોશ ઠાલવ્યો હતો.