મેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લી :અરવલ્લી જીલ્લામાં વર્ષ-૨૦૨૦નું પુનરાવતર્ન થઇ રહ્યું હોય તેમ વર્ષ-૨૦૨૧ માં પણ સતત લટકતી લાશો મળવાનો સીલસીલો યથાવત રહ્યો છે. વર્ષની શરૂઆતમાં એક પરિવારે સામૂહિક આત્મહત્યા કર્યા પછી સતત લોકો આત્મહત્યા કરી રહ્યા છે. હજુ તો ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીની આત્મહત્યાની શાહી સુકાઈ નથી ત્યાં જીલ્લામાં વધુ ત્રણ લટકતી લાશો મળી આવતા ભારે ચકચાર મચી છે. માલપુરના સુરાજપુરા કંપાની સીમમાંથી ગર્ભવતી મહિલાની પુત્ર સાથે સાડી વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા તેમજ મોડાસા રેલવે સ્ટેશન નજીક ખુલ્લા મેદાનમા ઝાડ સાથે ૨૨ વર્ષીય યુવકની લાશ મળી આવી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે. પોલીસે મૃતકોની લાશને પીએમ માટે ખસેડી એફએસલ ટીમની પણ મદદ લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
 
જીંદગી અણમોલ છે જીવનમાં સુખ અને દુખ આવ્યા કરે છે. કેટલાક તબક્કામાં ભારે મુશ્કેલીઓનો સામનો પણ કરવાનો વખત આવતો હોય છે. પરંતુ દરેક સમસ્યાનું સમાધાન પણ ચોક્કસ હોય જ છે. જો કે હાલના તબક્કે લોકોની સહનશક્તિ પણ ઘટવા લાગી છે. પરિણામે સામાન્ય વાતમાં પણ નાસીપાસ થઈ આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરી લેતાં લોકો વિચારતા નથી. છેલ્લા કેટલાક સમયથી આત્મહત્યાઓનું પ્રમાણ વધતાં બનાવોને લઈને લોકમાનસ પર ચિંતાના વાદળો ઘેરાયા છે. જિલ્લામાં આત્મહત્યાઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જીલ્લામાં સતત લટકતા મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી છે. 

Advertisement


 

 

 

 

 

પ્રાપ્ત માહીતી અનુસાર,મોડાસા તાલુકાના અણદાપુર ગામના મહેન્દ્ર બામણીયાની ગર્ભવતી પત્ની તેના પુત્ર સાથે ગુરુવારે બપોરે પીયર વીરણીયા જવાનું કહી ઘરેથી નીકળ્યા પછી નાનીબેન પુત્ર ભુરીયા સાથે પિતાના ઘરે ન પહોંચતા મહેન્દ્ર બામણીયાએ શોધખોળ હાથધરવાની સાથે તેની સાસરીમાં પહોંચ્યો હતો. મહેન્દ્ર બમણીયા અને તેના પરિવારજનોએ પત્ની અને પુત્રની શોધખોળ હાથધરી હતી ત્યારે માલપુર નજીક આવેલા સુરાજપુરા કંપાની સીમમાં ખેતર પાસે ઝાડ પર સાડીથી ફાંસો ખાધેલી હાલતમાં તેની પત્ની અને પુત્રની લાશ મળી આવતા પતિ અને પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા માલપુર પોલીસને જાણ થતા પીઆઇ એફ.એલ.રાઠોડ અને તેમની ટીમ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી માતા-પુત્રની લાશને નીચે ઉતારી પીએમ માટે ખસેડી મૃતક માતા-પુત્રનું મૃત્યુની ઝીણવટભરી તપાસ હાથધરી એફએસએલની મદદ લીધી હતી. માલપુર પોલીસે મૃતક મહિલા અને તેના પરિવારજનોની સઘન પૂછપરછ હાથધરી હતી. 

મોડાસા રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ નજીક ઝાડ સાથે એક યુવકની લાશ ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. મોડાસા ટાઉન પીઆઇ એન.જી.ગોહીલ પોલીસ કાફલા સાથે પહોંચ્યા હતા અને મૃતક યુવકની ઓળખ કરતા  મૃતક યુવક કઉં ગામનો દીપક ઈશ્વરભાઈ ખાંટ હોવાની માહીતી પ્રાપ્ત થતા પોલીસે મૃતક યુવકનાપરિવારજનોનો સંપર્ક કરતા પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ભારે રોક્કોકળ કરી મૂકી હતી. મૃતક દીપક ઈશ્વરભાઈ ખાંટની ઝાડ પર લટકતી લાશ પાસેથી બેગ પણ મળી આવી હતી. મોડાસા ટાઉન પોલીસે મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. 

શુક્રવારે બે સ્થળેથી ત્રણ લટકતી લાશો મળી આવવાની ઘટનાથી પોલીસતંત્ર દોડતું થયું હતું આત્મહત્યા કે હત્યા સહીત તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે.