મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: સોનાના દાગીના પર ગોલ્ડ લોન અનેક બેંક આપી રહી છે. કેટલીક કંપનીઓતો ફક્ત ગોલ્ડ લોન આપી રહી છે. ગોલ્ડ લોન આપતી બેંક અને ખાનગી કંપનીઓમાં અનેક વાર કંપની કે બેંકના કર્મચારીની મીલીભગત થી નકલી સોના પર ધીરાણ ધરવામાં આવ્યા હોવાના અનેક કૌભાંડ બહાર આવ્યા છે. કેટલાક ચીટર લોકો પણ નકલી સોનાં સામે ધીરાણ મેળવી ચીટીંગ કરી રહ્યા છે ત્યારે માલપુરની IIFL ફાયનાન્સ બ્રાન્ચ પર નકલી સોનાની બંગડીઓ પર ધિરાણ મેળવવા પહોંચેલા બે મેઘરજના ચીટરોનો પર્દાફાશ બ્રાન્ચના મેનેજરની સતર્કતા થી થતા બંને ચીટરોને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. માલપુર પીઆઈ એફ.એલ.રાઠોડે બંને સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
 
માલપુર IIFL ફાયનાન્સ બ્રાન્ચ ગોલ્ડ પર લોન આપતી હોવાથી મેઘરજના ઇશાક મુસાભાઇ મેઘરજીયા અને સદ્દામહુસેન ભીખાભાઇ પટેલ નામના બે ચીટરો નકલી સોનાની બંગડીઓ લઇ લોન લેવા માટે પહોંચ્યા હતા અને સોનાની નકલી બંગડી અસલી હોવાનું જણાવી લોન લેવા માટે કામગીરી હાથધરી હતી. ત્યારે બ્રાન્ચ મેનેજરને સોનાની બંગડીઓ નકલી જણાતા સોની પાસે તપાસ કરાવતા નકલી બંગડી હોવાનો પર્દાફાશ થતા બ્રાન્ચને ચૂનો લગાવવા આવેલા બંને ચીટરોને કામમાં વ્યસ્ત રાખી માલપુર પોલીસને જાણ કરતા પીઆઈ એફ એલ રાઠોડ તાબડતોડ બ્રાન્ચ પર પહોંચી બને ચીટરોને દબોચી લેતા બંને ચીટરોનો હોશકોશ ઉડી ગયા હતા. 

માલપુર પોલીસે વીમલકુમાર હીરાભાઈ શર્માની ફરિયાદના આધારે ઇશાક મુસાભાઇ મેઘરજીયા અને સદ્દામહુસેન ભીખાભાઇ પટેલ (બંને,રહે,મેઘરજ) વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.