મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં ચૂંટણીના પડઘમ ચોટીએ પહોંચ્યા છે ત્યારે રાજકીય પક્ષો નવા-નવા પેંતરા શોધીને મતો અંકે કરવાની તજવીજમાં લાગ્યા છે. ઓનલાઈન-ઓફલાઈન માધ્યમો પર તો પ્રચાર-પ્રસાર જોરશોરમાં જામ્યો જ છે, તેમાં હવે સીધા અને આડકતરા પેંતરા પણ ઉમેરાયા છે. મોડાસા અને બાયડ નગરપાલિકામાં મતદારોને રીઝવવા ઉમેદવારએ નાણાંની કોથળી ખુલ્લી મૂકી દીધી છે અને રાજ્કારણની પ્રયોગ શાળા ગણાતા બાયડમાં નગરપાલિકાની ચૂંટણીમાં ૧ મતની કિંમત ૨૫૦૦ થી ૫ હજાર સુધી પહોંચી હોવાનું રાજકીય સૂત્રો પાસેથી માહીતી પ્રાપ્ત થઇ રહી છે. 

અરવલ્લી જિલ્લા પંચાયત, ૬ તાલુકા પંચાયત, મોડાસા અને બાયડ નગરપાલિકાની ચૂંટણીના પ્રચારના અંતિમદિવસોમાં પ્રચાર-પ્રસાર ચરમસીમાએ પહોંચ્યો છે. અમુક ઉમેદવારોએ નજીક-દૂરના સગાં-વહાલા અને ટેકેદારોને મેદાને ઊતારી લોકોમાં પોતાના નામની વાહવાહી કરાવવાના પ્રયત્નો માંડયા છે. તો અમુક ઉમેદવારોએ વિસ્તાર પ્રમાણે માણસો મૂકાવીને પોતાના નામની ચર્ચાઓ જગાવી છે. સોસાયટીઓમાં બેઠકો યોજીને નવા ઉમેદવારોના પરિચય આપવાના કાર્યક્રમો પણ જોવા મળી રહ્યા છે તો ક્યાંક વળી સ્થાનિક આગેવાનોનો હાથ ઝાલીને વર્તમાન ઉમેદવારો લોકોને રીઝવતા જોવા મળી રહ્યા છે. જિલ્લામાં ઠેરઠેર બાઈક રેલી અને ચૂંટણી સભાઓ દ્વારા લોકોના મનમાં પોતાના પક્ષનું નિશાન અને ઉમેદવારનું નામ ઠસાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

મોડાસા અને બાયડ નગરપાલિકાની ચૂંટણીમાં હાલ બધા રાજકીય પક્ષ અને અપક્ષો વિજય મેળવવા ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજકીય પક્ષ ખરીદ વેચાણ સંઘ ખોલ્યો હોય તેમ મતદારોને મત પ્રમાણે ખાસ્સી એવી રકમ અને વાયદાઓનું પોટલું ખોલી દીધું છે સોસાયટી વિસ્તારમાં વિસ્તારમાં વર્ચસ્વ ધરાવતા યુવાનોને તેમની તરફે કરવા નાણાંની પોટલીઓ ખુલ્લી મૂકી દીધી છે.