મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લાની ગીરીમાળાઓમાં હિંસક પ્રાણીઓ મોટા પ્રમાણમાં વસવાટ કરી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી દીપડાએ ભિલોડા, શામળાજી, મેઘરજ અને માલપુર પંથકમાં દીપડાએ માનવ વસ્તીમાં પ્રવેશી આતંક મચાવી પશુઓનું મારણ કરતા પ્રજાજનોમાં ફફડાટ ફેલાયો છે. મોડાસા શહેર નજીકના જંગલમાં દીપડાની હાજરી થી પ્રજાજનોમાં ફફડાટ ફેલાયો છે.

મોડાસા શહેરથી ૫ થી ૧૦ કી.મી.અંતરમાં આવેલા ભેરુંડા,ગુજેરી,કોલવડા સહિતના ગ્રામ્ય વિસ્તારો નજીક આવેલા જંગલમાં અને ખેતરોમાં દીપડાએ લટાર મારતા ખેતરમાં કામ કરતા જેસીબીના ચાલકે દીપડાની તસ્વીર મોબાઈલ કેમેરામાં કંડારી લીધી હતી અને લોકોને દીપડો જંગલમાં ફરતો હોવાની માહિતી અપાતા લોકોમાં દીપડાના આતંકના દહેશત થી ભયનો માહોલ છવાયો છે. ચોમાસાની ઋતુમાં ખેતીનો પાક ખેતરોમાં લહેરાઈ રહ્યો છે.

ખેતી કામમાં સીમાડાઓ ધમધમી રહ્યા હોવાની સાથે ખેડૂતો પાકને જંગલી પ્રાણીઓના ભેલાણ થી બચાવવા ખેતરોમાં રાત્રી મુકામ કરી રહ્યા છે તેવી ઘડીએ દીપડાએ દેખા દેતા ખેડૂતો ખેતરમાં પગ મુકતા પણ ફફડી રહ્યા છે. દીપડાઓ ઝાડીઓ અને ખેતરમાં પાકની વચ્ચે છુપાઈ રહીને રાત્રીના સુમારે જ હુમલો કરતો હોવાથી ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.

મોડાસા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ દેખા દેતા જાગૃત ખેડૂતોએ વનવિભાગ તંત્રને જાણ કરવા છતાં પાંજરે પુરાવા કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.