મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે અપહરણ,ગુમ થયેલ અને વણઉકેલ્યા ગુન્હાનો ભેદ ઉકેલવા અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જીલ્લા પોલીસતંત્રને માર્ગદર્શન અને સૂચના આપતા સ્થાનિક પોલીસ અને વિવિધ એજન્સીઓ સતત દોડધામ કરી રહી છે અરવલ્લી એલસીબી પોલીસે અરવલ્લી એલસીબી પોલીસે ૬ વર્ષ અગાઉ ભિલોડાના ઝૂમસર ગામેથી છોકરીનું અપહરણ કરી વિસનગરના ગ્રામ્ય વિસ્તારોમાં મજૂરી કરી રહેતા યુવકને ભોગ બનનાર યુવતી સાથે ઝડપી લીધો હતો અન્ય એક બનાવમાં ધનસુરા તાલુકાના પાટો (રામપુર કંપા) ગામેથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને અંતિસરા થી દબોચી લઇ ભોગ બનનાર સગીરા સાથે દબોચી લીધો હતો અરવલ્લી એલસીબીએ મેઘરજના સિસોદરા ગામની સીમમાંથી બિનવારસી બાઈક પરના થેલામાંથી ૧૪ હજારથી વધુનો દારૂ ઝડપી લીધો હતો.

અરવલ્લી એલસીબી પીઆઇ આર કે પરમાર અને તેમની ટીમે જીલ્લામાં ક્રાઈમ કરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડી ગુન્હાનો ભેદ સતત ઉકેલી રહી છે ભિલોડાના ઝૂમસર ગામનો ચંદ્રેશ પશાભાઇ ચેનવા નામનો યુવક ગામમાંથી ૬ વર્ષ અગાઉ છોકરીનું અપહરણ કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી હતી આ અંગે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ઠેર ઠેર  શોધખોળ હાથધરવા છતાં કોઈ પગેરું મળ્યું ન હતું ત્યારે એલસીબી પોલીસને ચંદ્રેશ ચેનવા અપહરણ કરેલ છોકરી સાથે વિસનગર તાલુકાના ગુંજા ગામે મજૂરી કરતો હોવાની  બાતમી મળતા તાબડતોડ ગુંજા પહોંચી  ચંદ્રેશ ચેનવાને ભોગ બનનાર સાથે દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ધનસુરા તાલુકાના પાટા (રામપુર કંપા) ગામનો પ્રવીણ ઉર્ફે સંજય રાણાભાઇ પરમાર નામનો યુવાન ત્રણ મહિના અગાઉ સગીરાનું અપહરણ કરી ફરાર થઇ જતા સગીરાના પરિવારજનોએ ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા અરવલ્લી એલસીબી પોલીસે સગીરાના અપહરણના ગુન્હાનો ભેદ ઉકેલવા તપાસ હાથધરતા પ્રવીણ ઉર્ફે સંજય સગીરા સાથે વડોદરા તેના સંબંધીને ત્યાં પનાહ લીધી હોવાની માહિતી પ્રાપ્ત થતા એલસીબી પોલીસે વડોદરા પહોંચી હતી ત્યાંથી પ્રવીણ ઉર્ફે સંજય સગીરા ને લઈને તેના મામાના ઘર અંતિસરા ગામે પહોંચ્યો હોવાની જાણ થતા એલસીબી પોલીસે અન્ય એક ટીમ અંતિસરા મોકલી પ્રવીણ ઉર્ફે સંજય ને ભોગ બનનાર સગીરા સાથે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અરવલ્લી એલસીબી પોલીસે મેઘરજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધર્યું હતું મેઘરજના સીસોદરા ગામની સીમમાં એલસીબી પોલીસ વાહનોનું ચેકીંગ કરતી જોઈ રાજસ્થાન તરફથી બાઈક પર વિદેશી દારૂની ખેપ મારતો બુટલેગર રોડ પર બાઈક મૂકી નાસી છૂટતા પોલીસે રોડ પર બિનવારસી પડી રહેલ બાઈક પર લટકાવેલ થેલામાં તપાસ કરતા થેલામાંથી વિદેશી દારૂના ક્વાંટરીયા અને બીયર ટીન નંગ -૧૪૯ કીં.રૂ.૧૪૬૫૦/- નો જથ્થો જપ્ત કરી બાઈક મળી કુલ રૂ.૩૪૬૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ મેઘરજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.