મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી:અરવલ્લી એસીબી ટીમે ગુજરાત-રાજસ્થાન બોર્ડરે રાજયની હદમાં આવેલા રતનપુર નજીકની સેલટેક્ષ કચેરીમાં ફરજ બજાવતા રાજયવેરા નિરીક્ષક અધિકારી મહેન્દ્રભાઈ એમ.પ્રજાપતિ,વિશ્વાનંદ કે.જાદવ,હાર્દિક ડી.લાંબા અને રોહિત જી.ત્રિવેદી પાસે રહેલી કારમાંથી ૬.૫૧ લાખ બીન હિસાબી રોકડ સાથે ઝડપી લીધા હતા અને તેમની અટક કરવાની સાથે ચારેય ઇન્સ્પેક્ટરોના ગાંધીનગર,અમદાવાદ અને રાજકોટ ખાતે આવેલા રહેણાંક મકાનોમાં એસીબીની જુદી-જુદી ટીમે ત્રાટકી સર્ચ ઓપેરેશન હાથધર્યું હતું અરવલ્લી એસીબી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 

અરવલ્લી એસીબી પીઆઈ સી.ડી. વણઝારાએ  ચારેય લાંચિયા ઇન્સ્પેકટરોને કારમાંથી મળી આવેલ ૬.૫૧ લાખ રોકડ રકમ અંગે એસીબીએ ખુલાસો કરવાનું જણાવતા યોગ્ય ખુલાસો કરી ન શકતા અને તેમના સ્માર્ટફોનની વોટ્સઅપ ચેટમાં પણ શંકાસ્પદ જણાતા અને તેમજ શામળાજી સેલટેક્ષ પોઈન્ટ પર ફરજ બજાવતા સેલટેક્ષ ઓફિસરને દંડની રોકડ રકમ લેવાની કોઈ સત્તા ન હોવાની સાથે દંડની રકમ વાહનચાલકોએ ઓનલાઈન ભરવાની થતી હોવાથી સેલટેક્ષ ઇન્સ્પેકટર મહેન્દ્રભાઈ એમ.પ્રજાપતિ,વિશ્વાનંદ કે.જાદવ,હાર્દિક ડી.લાંબા અને રોહિત જી.ત્રિવેદીએ તેમની સરકારી ફરજ દરમિયાન તેમના હોદ્દાનો દુરુપયોગ કરી ગુન્હાહિત ગેરવર્તુણક કરી એકબીજાના મેળાપણામાં રહી ભ્રષ્ટાચાર આચરીને ૬.૫૧ લાખ રૂપિયા તેમની સાથે રાખતા બિનહિસાબી રકમનો યોગ્ય ખુલાસો ન કરી શકતા તમામ ચારેય સેલટેક્ષ ઇન્સ્પેકટર સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ (સુધારા અધિનિયમ-૨૦૧૮)ની કલમ-૭,૧૨,૧૩(૧) (એ) તથા ૧૩(૨) મુજબ ગુન્હો નોંધવા તજવીજ હાથધરી હતી ચારેય લાંચિયા ઇન્સ્પેક્ટરો સામે અરવલ્લી એસીબીએ ભ્રષ્ટાચારનો ગુન્હો નોંધતા લાંચીયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. 


 

 

 

 

 

શું હતો સમગ્ર મામલો , કઈ રીતે અરવલ્લી એસીબીએ ચારેય લાંચિયા સેલટેક્ષ ઈન્સ્પેકટરોને બિનહિસાબી રોકડ રકમ સાથે દબોચ્યા 
             
ગુજરાત-રાજસ્થાન બોર્ડરે આવેલા પોલીસ ચેકપોસ્ટ,સેલટેક્ષ કચેરી અને અગાઉની આરટીઓ કચેરીનો ભ્રષ્ટાચાર રાજયભરમાં જાણીતો હતો. સમયાંતરે આ નાકે કરોડોના કૌભાંડ લેનાર લેતા ઝડપાયા હતા.રાજય સરકારે કોઈપણ જાતના વ્યાજબી કારણ વગર આ ચેકપોસ્ટો કે ડીજીટલ કરવા કરોડો ખર્ચ્યા હતા.તે એકાએક બંધ કરી દીધી.પરિણામે આજે રાજય સરકારમાં આવક ઘટી અને ચોરી વધી છે. છેલ્લા કેટલાક સમયથી આ બોર્ડરેથી પસાર થતાં માલ પરીવહન સાધનોના બીલો ઉપર વસૂલવા પાત્ર ટેક્ષ અંકે કરવામાં ગાંધી-વૈધનું સહિયારૂ ષડયંત્ર હંકારાતું હોવાની ચર્ચાઓ ઉઠી હતી. આ વ્યાપક ફરીયાદના પગલે અરવલ્લી એલસીબીમાં વિગતે ફરીયાદ પણ કરાઈ હતી. ગુજરાત-રાજસ્થાન બોર્ડરની શામળાજી સેલટેક્ષ ઓફીસ કચેરી ખાતે મળતીયાઓ જ વહીવટ સંભાળતા હોવાનું અને  સરકારની આવકને ચૂનો લગાડી રહયા હોવાની ઉઠેલી ફરીયાદને પગલે અરવલ્લી એન્ટી કરપ્શન બ્યુરોના પોલીસ ઈન્સ્પેકટર સી.ડી.વણજારા એ બાતમીના આધારે ર્વાચ ગોઠવી હતી. દરમ્યાન આ સેલટેક્ષ કચેરી ખાતે ટીમ દ્વારા મારવામાં આવેલ છાપામાં ફરજ પર ના અધિકારીઓ પાસેથી રૂપિયા ૬.૫૧ લાખની રોકડ ઝડપાતાં કબ્જે કરાઈ હતી. અરવલ્લી એસીબી ટીમે મહેન્દ્રભાઈ એમ.પ્રજાપતિ,વિશ્વાનંદ કે.જાદવ,હાર્દિક ડી.લાંબા અને રોહિત જી.ત્રિવેદી સહિતનાઓ ની અટક કરી હાલ બીન હિસાબી નાણાં રૂ.૬.૫૧ લાખ રોકડ અને અર્ટીગો કાર ડીટેઈન કરી લીધા છે. છેલ્લા કેટલાય સમયથી સરકારી તીજોરીને ચૂનો લગાડવાના આ કાવતરામાં અન્ય પડદા પાછળના અધિકારીઓ,કસૂરવાર અધિકારીઓની તેમની અન્ય મિલક્તોની હવે વિગતે તપાસ હાથ ધરાશે એમ મનાઈ રહયું છે.