મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી:  અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર જીલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ કરનાર બુટલેગરો સામે ગાળીયો કસ્યો છે થોડા સમય અગાઉ એક સાથે ૧૯ ખૂંખાર બુટલેગરો સામે ગુજસીટોકનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. ત્યારે એલસીબી પોલીસે વધુ એક મેઘરજ તાલુકાના વૈડી ગામના લીસ્ટેડ બુટલેગર અરવિંદ છગન કટારા સામે પાસા એક્ટ હેઠળ ગુન્હો નોંધી જૂનાગઢ મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો હતો. 

અરવલ્લી એલસીબી પીઆઇ સી.પી.વાઘેલા અને તેમની ટીમે મેઘરજ પંથકમાં વિદેશી દારૂના વેપલા અને હેરાફેરી સાથે સંકળાયેલા અને સમગ્ર પંથકમાં મારધાડ કરી ધાક જમાવનાર અરવિંદ છગન કટારાને ઝડપી પાડી પાસા હેઠળ જેલમાં મોકલી આપતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. 

બાયડ તાલુકા પંચાયતના કર્મચારીઓની ધી બાયડ તાલુકા પંચાયત ધીરાણ અને ગ્રાહક સહકારી મંડળીમાં ઉચાપત કરનાર રાજેશ ચંપકલાલ શર્મા છેલ્લા કેટલાક વર્ષોથી નાસતો-ફરતો હતો. બાયડ પીઆઈ એસ.એન.પટેલને ઉચાપત કરનાર આરોપી રાજેશ ચંપકલાલ શર્મા નડિયાદ ઉમંગપાર્ક સોસાયટીમાં રહેતો હોવાથી બાતમીદારોને સક્રિય કરતા રાજેશ પંચાલ તેના ઘરે આવ્યો હોવાની બાતમી મળતા બાયડ પોલીસે તેના ઘરે ત્રાટકી રાજેશ પંચાલને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.