જય અમીન (મેરાન્યૂઝ.અરવલ્લી): અરવલ્લી એલસીબી પોલીસે શુક્રવારે ગાજણ નજીકથી ટ્રકમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી લીધા પછી કાયદેસરની કાર્યવાહી કરતા પહેલા ટ્રકમાંથી દારૂનું કટીંગ કરી ૭ પેટી દારૂ એલસીબી ઓફિસમાં જુદા-જુદા સ્થળે સંતાડી દીધો હતો. એલસીબી પોલીસમાં ફરજ બજાવતા  ઇમરાન ખોખર અને પ્રમોદ પંડ્યા નામના પોલીસ કર્મીઓ એસેન્ટ કારમાં ૧૦ પેટી વિદેશી દારૂ ભરી વહીવટદાર શાહરુખના પાયલોટીંગ સાથે દારૂનો  વેપલો કરવા નીકળ્યા હતા કાર પલ્ટી જતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું પોલીસવડા સંજય ખરાત સમસમી ઉઠ્યા હતા. અને ટાઉન પોલીસને એલસીબી પીઆઈ આર.કે.પરમાર અને ત્રણ પોલીસકર્મીઓ સામે ગુન્હો નોંધી ત્રણ કોન્સટેબલને સસ્પેન્ડ કરી દીધા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અરવલ્લી એલસીબી પોલીસે ખુદ દારૂનો વેપલો કરવાનું શરૂ કરતા ખાખી પર ધબ્બો લાગ્યો હતો. અરવલ્લી એલસીબીનું દારૂ કાંડ બહાર આવતા રેંજ આઈજી અભય ચુડાસમાએ સમગ્ર કેસની તપાસ તટસ્થ અને નિષ્પક્ષ થાય તે માટે અરવલ્લી પોલીસ પાસેથી તપાસ આંચકી લઈ સાબરકાંઠા ડીવાયએસપી સૂર્યવંશીને સોંપતા સ્થાનીક પોલીસમાં સન્નાટો છવાયો છે.


 

 

 

 

 

ગાંધીનગર રેંજ આઈજી અભય ચુડાસમાએ અરવલ્લી એલસીબી પોલીસે શરૂ કરેલા દારૂના વેપલાનો પર્દાફાશ થયા બાદ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં બે પોલીસકર્મીઓ સામે અને ટાઉન પોલીસ સ્ટેશનમાં એલસીબી પીઆઇ આર કે પરમાર અને ત્રણ પોલીસ કર્મીઓ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો હતો. બંને ગુન્હાની તપાસ અરવલ્લી પોલીસ પાસેથી આંચકી લઇ સાબરકાંઠા ડીવાયએસપી સૂર્યવંશીને સોંપતા ડીવાયએસપીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રેંજ આઈજી અભય ચુડાસમાએ સતત ત્રીજી તપાસ સાબરકાંઠા પોલીસને સોંપતા અરવલ્લી પોલીસ માટે નાક વઢાયા જેવી સ્થીતી પેદા થઇ છે.