મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પગલે ગેરકાયદેસર દારૂના વેપલામાં રહેલા અધધ નફાની આંધળી કમાણીમાં ખુદ ખાખી જ બુટલેગર બની હોવાના અનેક કિસ્સાઓ રાજ્યમાં સતત બહાર આવી રહ્યા છે. અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ તો દારૂબંધીની અમલવારીના બદલે જાતે જ દારૂનો વેપલો કરતા હોવાથી જેલની હવા ખાવાનો વારો આવ્યો હોવા છતાં નોકરીના ભોગે બુટલેગરો સાથે ભાઈબંધી નીભાવી રહ્યા છે. શુક્રવારે અરવલ્લી એલસીબી જ કારમાં દારૂ વેચવા નીકળી હોવાનો પર્દાફાશ થતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી હતી. રેંજ આઇજી અભય ચુડાસમાએ અરવલ્લી દારૂ કાંડની તપાસ અંગે સીટની રચના કરી સાબરકાંઠા ડીવાયએસપી સૂર્યવંશીને સોંપ્યા બાદ ખુદ રેંજ આઈજી અભય ચુડાસમા અરવલ્લી પોલીસભવનમાં દોડી આવ્યા હતા અને જીલ્લા એસપી સંજય ખરાત અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બીજીબાજુ પોલીસસુત્રો પાસેથી પ્રાપ્ત ચૂંટણી અનુસંધાને રેંજ આઈજી અભય ચુડાસમાએ મુલાકાત કરી હોવાનું જણાવ્યું હતું. 


 

 

 

 

 

શુક્રવારે ગાજણ નજીકથી ટ્રકમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી લીધા પછી કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે એલસીબીને જ દારૂ વેચવાનો શોખ જાગ્યો હતો. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઝડપાયેલ દારૂ રૂરલ પોલીસ સ્ટેશન લઈ જવાને બદલે એલસીબી કચેરી ખાતે લાવી કેટલીક પેટીઓ ઓફીસની જુદીજુદી રૂમોમાં ઉતારી અને કેટલીક ખાનગી નંબર વગરની ૫ણ વહીવટદારની કારમાં ભરી પહોંચાડવા તજવીજ હાથ ધરી. પરંતુ પાપનો ઘડો છલકાયો હોય એમ કાર પલ્ટી અને મોટું રેકેટ ઝપાડયું હતું. જેમાં એલસીબી પીઆઈ આર કે પરમાર,વહીવટદાર શાહરુખ અને ૩ પોલીસકર્મી સામે ગુન્હો નોંધાયો હતો. એસપી સંજય ખરાતે ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. જ્યારે પીઆઇ આર કે પરમાર,પોલીસ કર્મી અતુલ ભરવાડ અને વહીવટદાર શાહરુખ પોલીસ પકડથી દૂર છે. રેન્જ આઈજી અભય ચુડાસમાએ સોમવારે અરવલ્લી એસપી કચેરીમાં આવેલ એલસીબી ઓફિસની મુલાકાત લીધી હતી અને અરવલ્લી એસપી તેમજ જીલ્લાના પોલીસ અધિકારીઓ સમગ્ર તપાસ અને દિશાનિર્દેશ આપી ઝીણવટભરી તપાસના આદેશ આપ્યા હતા.