જય અમીન (મેરાન્યૂઝ .અરવલ્લી): રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિમય 2020 કાયદાને એક મહિનો આજે પૂરો થયો છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 11 અરજીઓ કલેક્ટર કચેરી ખાતે મળી છે. જેમાં સૌથી વધારે મેઘરજ તાલુકામાં 7, જ્યારે મોડાસા, ભિલોડા, બાયડ, માલપુર અને મોડાસા તાલુકાની 1-1 અરજી મળી છે. જમીન પચાવી પાડવાના કિસ્સાઓમાં વધારે થતાં રાજ્ય સરકાર દ્વારા 16 ડિસેમ્બર 2020ના રોજ લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 કાયદો અમલી કર્યો હતો. આ કાયદા અન્વયે ગેરકાયદે જમની પચાવી પાડવાના કિસ્સાઓમાં જિલ્લાની કમિટી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ઘણાં વર્ષોમાં અરવલ્લી જિલ્લામાં જમીન પચાવી પાડવાના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જોકે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 અંતર્ગત હવે ભૂમાફિયાઓમાં ફફળાટ વ્યાપી ગયો છે. કેટલાક ભૂમાફિયાઓએ ચાલાકીથી ખાતેદારોની જમીન પોતાને નામે કરી લેતા હોય છે, અને ખાતેદારને ખ્યાલ પણ આવતો નથી, આવા કિસ્સાઓમાં પણ મૂળ માલિકને ન્યાય મળવાની આશા છે.


 

 

 

 

 

શું છે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિમય, 2020 કાયદો

ખોટી રીતે ખેડૂતની જમીન પચાવી પાડવાના કિસ્સાઓને લઇને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વિધાનસભામાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિદેયક 2020 અંગે વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. જે કાયદા અંતર્ગત કોઇપણ વ્યક્તિ મૂળ માલિકની જમીન ગેરકાયદે જમીન પચાવી પાડે છે. જેની સામે મૂળ માલિક જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અરજી કરી પોતાની સાથે થયેલા અન્યાયને લઇને ભૂમાફિયા સામે કાર્યવાહી કરી શકે છે. શક્ય હોય તો અરજીનો નિકાલ 6 મહિનાની અંદર કરવાની પણ જોગવાઈ છે. આ માટે નક્કી કરવામાં આવેલ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવે છે.

કોઇ હોય છે કમિટીના હોદ્દેદારો

જમીન પચાવી પાડવાના કિસ્સાઓમાં રાજ્ય સરકાર દ્વારા જમીન ધારકોને ન્યાય અપાવવા જમીન પચાવી પાડવા પ્ર પ્રતિબંધ અધિનિય, 2020 કાયદો બનાવ્યો છે. જેમાં પાંચ અધિકારીઓની એક કમિટી હોય છે, જેમાં અધ્યક્ષ તરીકે કલેક્ટર, સભ્ય સચિવ તરીકે નિવાસી અધિક કલેક્ટર તેમજ સભ્ય તરીકે જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલિસ વડા અને પ્રાંત અધિકારીનો સમાવેશ થયા છે.

કેવી રીતે થાય છે કાર્યવાહી

જમીન પચાવી પાડવાના કિસ્સાઓમાં અરજદારે કરેલી અરજી જે-તે દિવસે પ્રાંત કચેરી ખાતે મોકલી દેવામાં આવે છે, અને પ્રાંત કચેરી દ્વારા 21 દિવસમાં અરજી અંગે રીપોર્ટ કલેક્ટર કચેરીને સોંપવાનો હોય છે. પ્રાંત કચેરી દ્વારા સોંપવામાં આવેલા રીપોર્ટ અનુસંધાને કમિટી બોલાવવામાં આવે છે, અને તપાસ અંગે ચર્ચા કરાય છે. પ્રાંત કચેરીના રીપોર્ટ અનુસંધાને કમિટી દ્વારા સાત દિવસમાં FIR કરવા માટેના આદેશ કરે છે.

અરજી કેવી રીતે કરવી 

મામતદાર કેચેરી ખાતે નિયમ અરજી ફોર્મ ઉપલબ્ધ હોય છે. જે ભરી ત્રણ નકલ સાથે રૂપિયા 2000 નું ચલણ બેંકમાં ભરી બિડાણ કરવાનું હોય છે. આ ફોર્મ કલેક્ટર કચેરીના જમીન દફ્તર વિભાગમાં આપવાનું હોય છે.