મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : રાજ્ય સરકારે તાજેતરમાં ખોટી રીતે જમીન પચાવી પાડનાર લોકોની શાન ઠેકાણે તથા ગરીબ ખાતેદારોને ન્યાય મળે તે માટે ગુજરાતમાં લેન્ડ ગ્રેબીંગનો કાયદો અમલી બનાવ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં મોડાસા શહેરને અડીને આવેલ ખલીકપુર ગામે ખેડૂતને વેચાણ કરેલ જમીન પર લોકડાઉનનો ફાયદો ઉઠાવી મૂળ માલિકમાંથી એક શખ્સે ગેરકાયદેસર કબ્જો જમાવી વાવેતર કરતા જમીન માલિક કહેવા જતા ઉશ્કેરાઈ જાનથી મારી નાખવાની ધમકી આપતાં જમીન માલિક ફફડી ઉઠતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જીલ્લા કલેક્ટર કચેરીમાં અરજી કરતા તપાસમાં ખેડૂતને વેચાણ કરેલ જમીન પર મુળ માલિકમાંથી એક શખ્શે ગેરકાયદેસર કબ્જે કર્યું હોવાનું બહાર આવતા જીલ્લા કલેકટરે ટાઉન પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુન્હો નોંધવા આદેશ આપતા જમીન માલિકે ખાલીકપુરના વિનોદ વાઘા ભાઈ ખાંટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જીલ્લામાં સૌપ્રથમ વાર નવા કાયદા વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
મોડાસાની ગાયત્રી સોસાયટીમાં પ્રજ્ઞાબેન ઉપાધ્યાયે મોડાસા નજીક આવેલા ખલીકપુર ગામે ૧૧ વર્ષ અગાઉ ખેડૂત પાસેથી જમીન ખરીદી કરી હતી અને જમીન ફરતે આરસીસી કોટ કરી ખેતરમાં ઓરડી બનાવી મૂકી રાખી હતી. કોરોના સંક્રમણના પગલે લોકડાઉન આવતા ખેતર માલિક ખેતરમાં જવાનું બંધ કરતા ખેતરમાં મૂળ માલિકોમાંથી વિનોદ વાઘભાઈ ખાંટ નામના શખ્સે ખેતરમાં રહેલી ઓરડી તોડી નાખી ખેતરમાં ગેરકાયદેસર કબ્જો જમાવી દઈ ખેતરમાં ઘઉંનું વાવેતર કરી દીધું હોવાની પ્રજ્ઞા બહેનને જાણ થતા જમીન પર પહોંચતા વિનોદ ખાંટે જમીનમાં પ્રવેશ કરશો તો જાનથી મારી નાખીશ અને બીભસ્ત ગાળો બોલતા પ્રજ્ઞાબેન અને તેમનો પરિવાર ફફડી ઉઠ્યો હતો. રાજ્ય સરકારે અમલી કરેલ લેન્ડ ગ્રૅમ્બીન્ગ એક્ટ હેઠળ અરજી કરતા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા હતા. તપાસના અંતે ગેરકાયદેસર જમીન પર કબ્જો જમાવી દેનાર શખ્શ વિરુદ્ધ ગુનો નોંધવા ટાઉન પોલીસને તાકીદ કરી હતી.
મોડાસા ટાઉન પોલીસે પ્રજ્ઞાબેન ઉપધ્યાયની ફરિયાદના આધારે વિનોદભાઈ વાઘાભાઈ ખાંટ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.