મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં ખેતરમાં, વાહનોમાં અને ઘરમાં આગ લાગવાની ઘટનાઓ સતત બની રહી છે. ધનસુરા તાલુકાના વખતપુરા ગામમાં ઘરમાં અગમ્ય કારણોસર આગ લગતા આગની જ્વાળાઓની લપેટમાં ઘર નજીક રહેલો ઘાસચારો અને મારુતિ વાન આગમાં ખાખ થતા ઘરનો મોભી અને પરિવારજનોના માથે આભ તૂટી પડતા ધ્રુસકે-ધ્રુસકે રડી પડતા ગામલોકોએ હૈયાધારણા આપી હતી. ઘરમાં લાગેલી આગ પર ગામ લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધાર્યા હતા. આગની ઘટનાના પગલે ધનસુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામાની કામગીરી હાથધરી હતી.

રવિવારે બપોરના સુમારે ધનસુરા તાલુકાના વડાગામ નજીક આવેલા વખતપુરા ગામના ગિરૂસિંહ આલુસિંહ ઝાલાના પાકા મકાનમાં આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરી મચી હતી. ઘર નજીક પશુઓ માટે સંગ્રહ કરેલા સૂકા ઘાસચારામાં અને ઘર નજીક પાર્ક કરેલી મારુતિ વાન પણ આગની ઝપેટમાં આવતા ઘાસચારો અને મારુતિ વાન આગમાં ખાખ થયા હતા. પોતાની મહેનત શ્વાહા થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.

સમય સુચકતા વાપરી પરિવારજનો ઘરની બહાર દોડી આવતા આબાદ બચાવ થયો હતો. આગની ઘટનાને પગલે દોડી આવેલા ગામલોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથધર્યા હતા. આકસ્મિક ઘરમાં લાગેલી આગમાં ભારે નુકસાન જતા આગનો ભોગ બનેલા પરિવારના મોભી અને મહિલા રીતસરની પોક મૂકી રડતા વાતાવરણ ગમગીન બન્યું હતું. ગામલોકોએ ઘટનાનો ભોગ બનેલ પરિવારને સાંત્વના આપી હતી.