મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: ધરતીનો તાત કહેવાતો ખેડૂત મોંઘા દાટ બિયારણો, દવાઓ લાવીને રાત દિવસની મહા મહેનત બાદ ખેત પેદાશો મેળવતા હોય છે. તેમાંય કુદરત સાથ ન આપે ત્યારે ખેડૂતોને ભારે મુશ્કેલીઓ પડતી હોય છે અને રોવાનો વારો આવતો હોય છે અને બાદમાં ખેત પેદાશોના યોગ્ય ભાવ ન મળે કે વેચ્યા બાદ સમયસર નાણાં ન મળે ત્યારે સહનશક્તિની હદ આવી જતી હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ વેચેલ ટેકાના ભાવે મગફળીના નાણાં ન મળતાં ધરતીપુત્રોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પુરવઠાની ઓફિસે પહોંચી અધિકારી સાથે કરેલા સંવાદનો વિડીયો પણ વાઈરલ થયો હતો.

અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ મહામહેનતે તૈયાર કરેલ મગફળીનો પાક ટેકાના ભાવે વેચ્યો હતો. મગફળીનો પાક લેતાં લેતાં ખેડૂતોના આંખે પાણી આવી ગયા હતા કારણ કે કુદરતી વિષમ પરિસ્થિતિઓએ ખેડૂતોને રોવડાવ્યા હતા. ત્યારે ટેકાના ભાવે વેચેલી મગફળીના સમયસર નાણાં ન મળતાં ભારે મુસીબત પેદા થઈ છે. કેટલાય ખેડૂતો બિયારણ દવાઓ માટે નાણાં વ્યાજે લાવીને પણ ખેત પેદાશો કરતા હોય છે. ત્યારે જરૂરિયાતના સમયે ટેકાના ભાવે વેચેલી મગફળીના નાણાં ન મળવાથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો. ખેડૂતોએ છેવટે કંટાળીને પુરવઠા અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા અને તાત્કાલીક નાણાં મળી જાય તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. સાથે ખેડૂતોએ ભારે ગુસ્સા સાથે સમયસર નાણાં નહીં મળે તો હજારો ખેડૂતો ભેગા થઈ આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.

જિલ્લા પુરવઠા ઓફિસમાંથી ખેડૂતોએ અધિકારી સાથેના સંવાદ વિડીયો કર્યો વાઇરલ

સમયસર ટેકાના ભાવે વેચેલી મગફળીના નાણાં ન મળતાં અરવલ્લી જિલ્લાના ખેડૂતો રોષે ભરાયા હતા અને જિલ્લા પુરવઠા ઓફિસમાં પહોંચી ગયા હતા. જ્યાં ખેડૂતો અને અધિકારી વચ્ચે થયેલ સંવાદનો વિડીયો પણ અરવલ્લીમાં વાઈરલ થયો હતો.