મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં અત્યાર સુધી સિઝનનો ૭૦ ટકા જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે જીલ્લામાં વાયુ ઈફેક્ટમાં મેઘ મહેર થયા પછી ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોએ હોંશભેર મગફળીના મોંઘા બિયારણો ખરીદી વાવણી કરતા ખેતરોમાં મગફળીનો પાક લહેરાઈ રહ્યો છે. મગફળીના પાકમાં ઈયળનો ઉપદ્રવ વધતા અને ખેતરમાં ઊભી મગફળીને જડમુળ માંથી ઉખાડી ફેંકાતા ભૂંડોના ટોળાના ત્રાસથી ખેડૂતોની હાલત દયનિય બની છે.

અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકા સહીત જીલ્લામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું છે. મેઘમહેર થતા મગફળીના પાકમાં સારો ઉતારો મળવાની આશાઓ પર પાણી ફરી વળ્યું જ્યારે ઈયળ નામના ઉપદ્રવે દેખા દીધી છે. ખેડૂતો ઈયળના ઉપદ્રવને નાથવા મોંઘીદાટ દવાઓનો છંટકાવ કરી રહ્યા છે. બીજીબાજુ જીલ્લાના કેટલાક વિસ્તારોમાં રાત્રીના સુમારે ભૂંડોના ધાડેધાડા ઉતરી પડતા મગફળીનો ખેતરમાં ઉભા પાકનો સફાયો કરી દેતા ખેડૂતો માટે પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે.