મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: ગુજરાત ના વીજ કર્મચારીઓ ફરી એકવાર રાજ્ય સરકાર સામે આંદોલન કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ગુજરાતના ૫૫ હજારથી વધુ  વીજ કર્મચારીઓ પોતાની પડતર માંગને લઈ આંદોલનના માર્ગે છે. જેમાં ગુજરાતના વીજ કર્મચારીઓ સાતમા પગારપંચનો લાભ, એલાઉન્સની માંગને લઈને લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. એટલું જ નહીં તબક્કાવાર રાજ્યના વીજકર્મીઓ વિરોધ પ્રદર્શન કરી હક્ક મેળવશે. ૭માં  પગાર પંચ મુજબ નવા બેઝિક પગાર ઉપર મળવા પાત્ર એલાઉન્સ અને એરયન્સને લઈ રાજ્ય સરકાર સામે  અરવલ્લી જીલ્લાના ૩ હજાર કર્મચારીઓએ સરકાર સામે બાયો ચઢાવી સૂત્રોચ્ચાર કરી કર્યા હતા. 
     
અરવલ્લી જીલ્લામાં યુજીવીસીએલ અને ગેટકોમાં ફરજ બજાવતા કર્મચારીઓએ તેમની કચેરી આગળ તેમની પડતર માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. કર્મચારીઓના જણાવ્યા અનુસાર તેમની વિવિધ પડતર માંગો લઇ અગાઉ અનેક રજૂઆત છતાં કોઈ નિર્ણય ન લેવાતા આખરે ઉત્તરાયણ બાદ ૧૬ જાન્યુઆરીથી કાળી પટ્ટી સાથે કામકાજ કરવામાં આવશે.  તેમ છતાં નિરાકરણ નહીં આવે તો તમામ કર્મચારીઓ માસ સીએલ  સહિતના કાર્યક્રમો યોજવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.