મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ અને સભ્યપદ માટે ઉમેદવારી ફોર્મ ભરાવવાના શરૂ થઇ ગયા છે. ગામના મુખિયા બનવા મુરતિયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. આવા સમયે દારૂ અને પૈસાની રેલમછેલ કરતા હોવાની નવાઈ નથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થતાની સાથે બુટલેગરો સક્રિય થઇ નાના-મોટા વાહનો મારફતે વિદેશી દારૂ ઠાલવવા પ્રયત્નશીલ બન્યા છે.

મોડાસા રૂરલ પોલીસે બોડી ગામ નજીક પલ્સર બાઈક પર દારૂની ખેપ મારી રહેલા બુટલેગરને દબોચી લઈ ૨૦ હજારથી વધુનો દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. અણસોલ ગામના બુટલેગર કરણે રતનપુર નજીકથી વિદેશી દારૂ થેલામાં ભરી બોડી ગામે આપવા જતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. 

Advertisement


 

 

 

 

 

મોડાસા રૂરલ પીઆઈ મુકેશ તોમર અને તેમની ટીમે મેઢાસણ ગામ નજીક પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત પેટ્રોલિંગ હાથધર્યું હતું ત્યારે મેઢાસણ ગામ તરફથી એક બુટલેગર પલ્સર બાઈકમાં દારૂની ભરી બોડી તરફ જવાનો બાતમી મળતા પોલીસ સતર્ક બની બોડી ગામની સીમમાં નાકાબંધી કરી વોચ ગોઠવી દીધી હતી. બાતમી આધારિત પલ્સર બાઈક આવતા પોલીસે બાઈક ચાલકને અટકાવી કોર્ડન કરી બાઈક પર આગળના ભાગે મુકેલ થેલામાંથી વિદેશી દારૂની ૧૧૨ બોટલ સાથે ઝડપી લીધો હતો. મોડાસા રૂરલ પોલીસે બાઈક ચાલક કરણ નવીનભાઈ પારઘી (રહે, અણસોલ-ભીલોડા) ની ધરપકડ કરી ૨૦ હજારથી વધુના દારૂ સાથે રૂ ૯૦૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
 
મોડાસા રૂરલ પોલીસે રતનપુર નજીકથી દારૂ ભરી આપનાર અને બોડી ગામે દારૂ મંગાવનાર શખ્સોના નામ જાણવા બુટલેગરની સઘન પૂછપરછ હાથધરી છે.