મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ મોડાસા તાલુકાના ખંભીસર ગામે આઝાદીના આટલા વર્ષો પછી પણ એક અનુસૂચિત જાતિના યુવકનો ઘોડા ઉપર વરઘોડો નીકળ્યો નથી ત્યારે ગામના ડાહ્યાભાઈ પુંજાભાઈ રાઠોડના પુત્ર જયેશના રવિવારે લગ્ન હોવાથી ગામના કેટલાક અસામાજિક તત્વોની ધમકીના પગલે જીલ્લા પોલીસવડાને રજૂઆત કરતા પોલીસવડા મયુર પાટીલે ડી.વાય.એસ.પી ફાલ્ગુની પટેલ સહીત ૧ પી.આઈ અને ૬ પીએસઆઈ અને ૫૦ જેટલા પોલીસકર્મીઓ ખંભીસર ગામે ખડકી દીધા હતા તંગદિલી ભર્યા માહોલ માં ડી.વાય.એસ.પી ફાલ્ગુની પટેલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં તદ્દન નિષ્ફળ રહેતા અગ્નિભરેલા માહોલમાં ફાલ્ગુની પટેલે મગજ પરનો કાબુ ગુમાવતા આક્રમકઃ બની દલિત સમાજના યુવકો અને અગ્રણીઓને ધમકાવતા તેઓ સમસમી ઉઠ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાઈરલ થતા ડીવાયએસપી ફાલ્ગુની પટેલ સામે રેન્જ આઈજી મયુરસિંહ ચાવડાને રજૂઆત કરી શિક્ષાત્મક પગલાં ભરવાની માગ કરતા રેન્જ આઈજીએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

ખંભીસર ગામે નીકળેલા દલિત સમાજના વરઘોડામાં પોલીસ રક્ષણ માટે ઉપસ્થિત ડીવાયએસપી ફાલ્ગુની પટેલ દલિત સમાજને સહકાર ન આપતા હોવાની સાંજના ૫ વાગ્યાના સુમારે જ રાજ્ય પોલીસ વિભાગને જાણ કરી હતી. પોલીસતંત્રની નિષ્ફળતા બંને સમાજના લોકો ને આમને-સામને લાવી દીધા હતા.

ખંભીસર ગામે ડીવાયએસપી ફાલ્ગુની પટેલની રાહબળી હેઠળ દલિત યુવક જયેશનો વરઘોડો નીકળતા  એકજ સમાજના લોકોએ દલિત સમાજના યુવકનો વરઘોડો તેમના ફળિયામાં પ્રવેશતો અટકાવવા ધર્મની આડ લીધી હતી અને મહિલાઓને આગળ ધરી ભજન-કીર્તન સાથે યજ્ઞ હોમ હવનનું શરણું લેતા વરઘોડામાં વિઘ્ન સર્જાતા તંગ વાતાવરણનું નિર્માણ થયું હતું. જેને પગલે પોલીસતંત્રના ડીવાયએસપી ફાલ્ગુની બેન પટેલે યજ્ઞમાં બેસેલી મહિલાઓને સમજાવવાનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો હતો. ત્યારે વરઘોડાને બીજા રસ્તે લઈ જવા તેમણે કહેતા દલિત સમાજના લોકોએ તેમને પુછ્યું કે તમારે અમારો પક્ષ લેવો જોઈતો હતો. દલિત પરિવારના વરઘોડાને રક્ષણ આપવાના બદલે “ઉલ્ટા ચોર કોટવાલ કો ડાન્ટે” ની જેમ ફાલ્ગુની પટેલે મગજનો પારો ઉચકાતા દલિત સમાજના યુવકો અને અગ્રણીઓને ધમકાવી દેતા સોંપો પડી ગયો હતો. સમગ્ર ઘટના સમાજના જાગૃત યુવકોએ મોબાઈલમાં કેદ કરી લીધી હતી અને દલિત સમાજના વિવિધ સોશ્યલ મીડિયામાં વાઈરલ કરતા દલિત સમાજના લોકોમાં ડીવાયએસપી ફાલ્ગુની પટેલ સામે આગામી દિવસોમાં પગલાં ભરવાની માંગ સાથે પોલીસ વડા અને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ખંભીસર ગામમાં અગાઉ ૧૪ એપ્રિલે થયેલી સામાન્ય માથાકૂટ પછી દલિત સમાજના યુવકના વરઘોડામાં એક સમાજ વિઘ્ન પેદા કરશે અને તે જ પ્રમાણે ઘટના બની હતી. ગામમાં હોમ યજ્ઞ અને ભજન-કીર્તન કરતા દલિત સમાજનો વરઘોડો અટક્યો હતો અને જાહેર માર્ગ પરથી પસાર થાય તે પહેલા ગામની મહિલાઓ સમૂહમાં બેસી જઈ ભજન-કીર્તન પર બેસી ગયા હતા. કેટલાક રસ્તાઓ પર તો વાહનો આડા મુકી દેવાયા હતા. આ બધા સામે પોલીસતંત્રએ હથિયાર હેઠા મૂકી દેતા સમગ્ર સ્થિતિનું નિર્માણ થયું હતું ભજન-કીર્તન કરી રહેલી મહિલાઓને ખસેડવામાં આજીજી કરતા ડીવાયએસપી દલિત સમાજ સામે આક્રમકઃ બની જતા હતા. ગામમાં લાઈટ બંધ હોવા છતાં પથ્થરમારો ગમે તે ઘડીએ થઇ શકે છે તેવી સ્થિતિનું નિર્માણ થવા છતાં પોલીસતંત્ર લાઈટ ન હોવાનું ધ્યાને લીધું ન હતું. દલિત સમાજના આગેવાન હસમુખ સક્સેનાએ ભજન-કીર્તનમાં બેઠેલી મહિલાઓને હાથ જોડ્યા હતા. તેમ છતાં ન સમજતા આક્રમકઃ ભાષણથી વાતાવરણ તંગ બનતા અંધારું થતાની સાથે જ બંને સમાજના લોકો સામ-સામે પથ્થરમારો કરતા પોલીસે લાઠીચાર્જ કરી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. પથ્થરમારામાં એસપી મયુર પાટીલ, ડીવાયએસપી ફાલ્ગુની પટેલ , પીએસઆઈ ચાવડા સહીત ૫ જેટલા પોલીસકર્મીઓ અને ૧૦ જેટલી મહિલાઓ અને પુરુષો પથ્થરમારાનો ભોગ બન્યા હતા.

દલિત આગેવાન હસમુખ સક્સેના જણાવ્યા અનુસાર પોલીસે તેમના પર હુમલો કરી લાઠીચાર્જ અને ગડદા-પાટુનો માર મારતા અને જીવને જોખમ જણાતા કેટલાક યુવકોની મદદ લઈ માંડ-માંડ જીવ બચાવી બહાર નીકળ્યો હતો અને અમદાવાદ સિવિલમાં સારવાર લીધી હતી બે આંગળીઓમાં ફ્રેક્ચર થયું હોવાનું અને ટાંકા લેવા પડ્યા હોવાનું જણાવી અન્ન-જળનો ત્યાગ કરી જ્યાં સુધી ગુજરાતમાં દલિત સમાજના વરઘોડા પર હુમલા થતા નહીં અટકે ત્યાં સુધી અનસન પર ઉતર્યો હોવાનું જણાવ્યું હતું.