મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ ગુજરાતમાં પત્રકારોનો રાફડો ફાટ્યો છે, એમાંયે દિવાળી આવે એટલે શુભેચ્છા જાહેરાત માટે વર્ષમાં એક જ વાર દેખા દેતા પત્રકારો જોવા મળે છે, વગર મહેનતે શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે બની બેઠેલા પત્રકારો અધિકારીઓ, કોન્ટ્રાકટરો કે અન્ય સંસ્થાઓમાં જઈ ખોટી રીતે હેરાન કરી સમાચાર પ્રસિદ્ધ કરવાની ધાક બતાવનાર તોડબજોએ માઝા મુકી છે. કેટલાક શખ્શો યૂટ્યૂબ ચેનલ બનાવી અને સમાચાર પત્રની પીડીએફ ફાઈલ બનાવી સમાચાર છાપી દેવાની દમદાટી આપી તોડ કરતી ગેંગથી સરકારીતંત્ર અને પ્રજાજનો પણ તોબા પોકારી ઉઠ્યા છે. જીલ્લા કલેક્ટર અને જીલ્લા પોલીસવડા પત્રકારોના નામે રંજાડ કરતા શખ્શો સામે કાયદાકીય કાર્યવાહી કરે તેવું પ્રજાજનો અને ધંધાર્થીઓ ઈચ્છી રહ્યા છે. જેમ કેટલાક તોડબાજોના કારણે સમગ્ર પોલીસ તંત્ર બદનામ થાય છે તેમ આવા શખ્સોને કારણે તમામ પત્રકારોને એક જ ત્રાજવે તોલી દેવાતા હોય છે.

અરવલ્લી જિલ્લાના કહેવાતા બે પત્રકારો પાડોશી રાજ્ય રાજેસ્થાનના રતનપુર નજીક એક દવાખાનામાં ઘુસી ગયા હતા, તબીબે બંને પત્રકારોના પગે પહેરેલા પગરખા બહાર કાઢવાનું કહેવા છતાં દાદાગીરીથી બંને દવાખાનામાં ઘૂસી જઇ તબીબની ડિગ્રી વિશે માહિતી માંગતા તબીબ ઉશ્કેરાઈ ગયા હતા અને બંને પત્રકારોને છુટા હાથનો માર ખાવાનો વારો આવ્યો હતો. પત્રકાર અને તબીબ વચ્ચેના બનાવને પગલે આસપાસના લોકો આવી પહોંચતા બન્ને પત્રકારોને ઊભી પૂંછડીએ ભાગવાની નોબત આવી હતી. રાજસ્થાનમાં બે કહેવાતા પત્રકારોને માર પડ્યો હોવાની અને બંને શખ્શો સામે તબીબે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથધરી હોવાના સોશ્યલ મીડિયામાં મેસેજ વાઈરલ થતા કહેવાતા પત્રકારોના કરતૂતથી અન્ય પત્રકારોમાં ભારે રોષ છવાયો હતો. ગુરુવારે અને બીજા દિવસે પણ રાજસ્થાન તબીબને ત્યાં તોડ પાણી કરવા ગયેલા પત્રકારો અંગે સરકારી તંત્ર, ધંધાર્થીઓ અને લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.

રાજસ્થાનના તબીબ ર્ડો.ભરત ખત્રીએ અરવલ્લી જીલ્લાના કહેવાતા બંને પત્રકારો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથધરાતાની સાથે બંને શખ્શોને મોતિયા મરી ગયા હતા અને પોલીસ કાર્યવાહી ન કરવા આજીજી કરવા લાગ્યા હતા અને તબીબ સાથે ગાઢ મિત્રતા ધરાવતા શખ્શની સાથે ઓળખાણના કારણે બંને કહેવાતા પત્રકારોનો છુટકારો થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.