મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: દિવાળી નજીક આવી રહી છે ત્યારે બુટલેગરો બેફામ થઇને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો અન્ય રાજ્યમાંથી લાવીને રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઠાલવી રહ્યા છે. અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર બુટલેગરો સામે લાલ આંખ કરી દિવાળી તહેવાર પર દારૂની રેલછેલ કરવા નિતનવા નુસ્ખા અપનાવી વિવિધ વાહનો મારફતે મોટી માત્રામાં વિદેશી દારૂ ઠાલવવાના બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી છે. શામળાજી પોલીસે બે કારમાંથી, એલસીબી પોલીસે આઈ-૨૦ અને મોડાસા રૂરલ પોલીસે રિક્ષામાં દારૂની ખેપ મારતા ટીંટોઈના બુટલેગરને દબોચી લઇ દારૂના મોટો જથ્થો પોલીસે ઝડપી પાડતાં દારૂબંધીની પોલ ખુલ્લી પડી ગઇ છે.

Advertisement


 

 

 

 

 

શામળાજી પોલીસે રાજસ્થાન તરફથી ફોર્ડ ફિગો અને નિશાન ટરેના કારનો ફિલ્મી ઢબે પીછો કરતા ફોર્ડ ફીગો કાર સર્વિસ રોડ પર થાંભલા સાથે અને ટરેના કાર માટીમાં ફસાઈ જતા બને કારમાં સવાર બુટલેગરો ફરાર થઇ જતા પોલીસે બંને કારમાંથી 2.44 લાખથી વધુનો વિદેશી દારૂ સાથે ૯.૪૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અરવલ્લી એલસીબી પોલીસે મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઈટાડી-લીંભોઇ નજીક બાતમીના આધારે આઈ-૨૦ કારમાંથી ૧.૨૪ લાખના વિદેશી દારૂ સાથે ૬.૨૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મોડાસા રૂરલ પોલીસે સીએનજી કારમાં વિદેશી દારૂની ખેપ મારી રહેલા ટીંટોઈના સતીશ પુંજાભાઈ વણકર નામના બુટલેગરને બોલુન્દ્રા-જીવણપૂર રોડ પરથી દબોચી લઇ રિક્ષામાંથી ૧૨ હજારના વિદેશી દારૂ સાથે ૮૭ હજારનો મુદ્દામાલ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. અરવલ્લી પોલીસે ફરાર બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા.

અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત સતત વિદેશી દારૂ ઝડપી રહી છે. જીલ્લાની આંતરરાજ્ય સરહદ પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ જપ્ત કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.