મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ મતદાન અંગે જાગૃત કરવા ‘‘ સ્વીપ ‘‘ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત અરવલ્લી જીલ્લામાં છેલ્લા એક મહિના વિવિધ કાર્યક્રમ, સ્પર્ધા સહીત કાર્યક્રમો શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં યોજી અંદાજે ૨.૪૧ લાખથી વધુ મતદાતાઓને જાગૃત કર્યા હતા.

અરવલ્લી જિલ્લા સ્વીપ નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરવલ્લી સ્મિતાબેન પટેલ દ્વારા, જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી ઓમાં મતદાન વધુ પ્રમાણ માં થાય તે માટે વિવિધતા સભર પ્રવૃત્તિઓ છેલ્લા એક મહિનામાં કરવામાં આવેલ છે. જેમાં મહેંદી સ્પર્ધા, મતદાન જાગૃતિના સંદેશા વાળા માસ્કનું વિતરણ, સિગ્નેચર કેમ્પેઇન, સાયકલ રેલી, બાઈક રેલી, રંગોળી સ્પર્ધા, વિવિધ બિલ પર મતદાન જાગૃતિના સિક્કા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, EVM નિદર્શન, સેલ્ફી કોર્નર , મતદાન જાગૃતિની પ્રતિજ્ઞા, સરકારી લેટર પેડ પર મતદાન જાગૃતિ ના સંદેશ જેવી રસપ્રદ પ્રવૃત્તિઓમાં મહિલા મતદાર, કોલેજના મતદાર, ગામના મતદાર તમામને આવરી લેવામાં આવ્યા હતા. આ તમામ પ્રવૃત્તિઓ દ્વારા ૨૪૧૦૦૦ જેટલા મતદારોને આવરી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક શિક્ષણ વિભાગની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવેલ આ પ્રવૃત્તિઓથી સરેરાશ મતદાન અવશ્ય ઊંચું જવાની આશા સેવાઈ રહી છે.