મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના વાંકાનેડા ગામનો શ્રમીક પરીવાર કોરોના સંક્રમણમાં ખાવાનાં ફાંફા પડતા અને બાળકની માતાને હૃદયરોગની તકલીફ માટે નાણાંની જરૂરિયાત ઉભી થતા તેમના વ્હલા સોયા ૧૦ વર્ષીય પુત્રને મોડાસાના ખંભીસર નજીક ખુલ્લા મેદાનમાં વર્ષોથી રહેતા ઝુંપડા બાંધી રહેતા અને ઘેટાં બકરા ચરાવતા પરિવારને ૭ હજાર રૂપિયામાં વેચી દીધું હતું. સમગ્ર ઘટનાનો પર્દાફાશ અગમ ફાઉન્ડેશનના હેતલ પંડ્યાની જાગૃતતાથી બહાર આવ્યો હતો. અગમ ફાઉન્ડેશને બાળ સુરક્ષાના સહયોગથી બાળકને રેસ્ક્યુ કરી બાળ સુરક્ષા કેન્દ્ર ખાતે મોકલી અપાયા બાદ તેના માતા-પિતાનો સંપર્ક કરતા માતા-પિતા દોડી આવ્યા હતા. બાળ સુરક્ષા વિભાગે માતા-પિતાનું કાઉન્સલિંગ કરતા આર્થિક સંકડામણના લીધે બાળક વેચવા મજબુર બન્યા હોવાનું જણાવ્યું હતું. બીજી બાજુ બાળકને ખરીદનાર પરિવાર ફરાર થઇ જતા વિવિધ ચર્ચાએ જોર પકડ્યું છે. બાળકને ઘેટાં બકરા ચરાવવા દરરોજ ૫ થી ૧૦ કિલોમીટર રઝળપાટ કરવો પડતો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.


 

 

 

 

 

અરવલ્લી જીલ્લામાં ગરીબ પરિવારોની મજબૂરીનો લાભ ઉઠાવી છેલ્લા કેટલાય સમયથી તેમના બાળકોને ગીરવે મુકવાનું સુનિયોજીત રેકેટ ચાલતું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ગરીબ પરિવારોના સગીર વયના બાળકોને ચા નાસ્તાની રેકડીઓ પર, દુકાનો પર તેમજ ઘરકામ માટે મામૂલી રકમ ચૂકવી ગીરવે મુકવામાં આવતા હોવાની બૂમો ઉઠી છે. થોડાક વર્ષો અગાઉ મેઘરજ નજીક એક વિસ્તારમાં ગરીબ પરિવારો તેમના બાળકો વેચી દેતા હોવાની બૂમો પણ ઉઠી હતી. ત્યારે બાળ સુરક્ષા તંત્ર અને પોલીસતંત્ર આ અંગે ઝીણવટભરી તપાસ કરે તો મસમોટા રેકેટનો પર્દાફાશ થાય તો નવાઈ નહીં.

અગમ ફાઉન્ડેશનના હેતલબેન પંડ્યાએ ગીરવે મુકેલ  ૧૦ વર્ષીય બાળકને ખરીદનાર બાળક પાસેથી છોડાવ્યા પછી અન્ય લોકોએ પણ તેમનો સંપર્ક કર્યો છે અને જીલ્લામાં બે ત્રણ સ્થળે બાળક ગીરવે મુકવામાં આવ્યા હોવાનું ફોન કરનારે માહિતી આપતા તેમને આ અંગે તાત્કાલીક બાળ સુરક્ષા અધિકારીનો સંપર્ક કરી માહીતી પુરી પાડી હતી.