મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ રાજ્ય સરકારે પીએસઆઈ માંથી પીઆઈમાં બઢતી આપ્યા પછી અરવલ્લી જીલ્લામાં ૬ પી.આઈની ફાળવણી કરવામાં આવી છે. અરવલ્લી જીલ્લામાં ૬ પી.આઈના આગમન સાથે જિલ્લા પોલીસવડા મયુર પાટીલે ૬ પી.આઈની જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં નિમણૂંક આપવાની સાથે વધુ એકવાર જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં અને વિવિધ શાખાઓમાં ફરજ બજાવતા ૪ પી.આઈ અને ૭ પીએસઆઈ ની સાગમેટે બદલી કરતા જીલ્લા પોલીસતંત્રમાં વધુ એકવાર મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. જીલ્લા પોલીસવડાએ ચિપેલા બદલીના ગંજીપા થી “કહી ખુશી કહી ગમ” જેવો માહોલ પોલીસબેડામાં જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી ચાર્જમાં ચાલતા જીલ્લાના મુખ્ય મથક મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં કાયમી પીઆઈની નિમણૂંક થતા શહેરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત થશે તેવો આશાવાદ નગરજનો સેવી રહ્યા છે.

પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સતત પોલીસવડા દ્વારા થઈ રહેલી બદલીઓનું ગણિત સમજવામાં થાપ ખાઈ રહ્યા હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે. રવિવારે જીલ્લા પોલીસવડા મયુર પાટીલે ૬ પીઆઈની વિવિધ પોલીસસ્ટેશનમાં નિમણૂંક સાથે ૪ પોલીસ ઇન્સ્પેક્ટર અને ૭ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક અસરથી જાહેરહિતમાં બદલી કરવામાં આવતા પોલીસતંત્રમાં ફરજબજાવતા અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.

પોલીસવડાએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા ૪ પી.આઈ અને ૭ પી.એસ.આઈ ની બદલીના આદેશ થતાં પોલીસ અધિકારીઓમાં ભારે દોડધામ મચી હતી અને ફરજ પરના સ્થળ પરથી તાત્કાલિક છુટા કરવાના અને બદલીના સ્થળે તાત્કાલિક હાજર થવાના આદેશ પગલે પોલીસ અધિકારીઓમાં ભારે છૂપો 

રોષ જોવા મળી રહ્યો છે. સતત પોલીસબેડામાં થઇ રહેલી પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ થતાં પોલીસકર્મીઓને પરિવારજનો પણ વિમાસણમાં મુકાઈ રહ્યા છે.